અપડેટ@દેશ: પીએમ મોદી સામે દેશની પહેલી કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખી વારાણસીથી લડશે ચૂંટણી

 
હેમાંગી સખી
હેમાંગી સખીએ કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં નથી. તેમણે પણ ધર્મનું કામ કર્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશની પહેલી કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખી વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ હેમાંગી સખીને બનારસથી ટિકિટ આપી છે. તે 12 એપ્રિલે બનારસ પહોંચશે અને બાબા વિશ્વનાથના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. મહામંડલેશ્વર હેમાંગી સખીએ કહ્યું કે સમગ્ર દેશમાં કિન્નર સમુદાયની સ્થિતિ દયનીય છે. કિન્નર સમુદાય માટે એક પણ સીટ અનામત રાખવામાં આવી નથી.કિન્નર સમુદાય લોકસભા અને વિધાનસભામાં તેમની વાત કેવી રીતે રજૂ કરશે? કિન્નર સમાજનું નેતૃત્વ કોણ કરશે? કિન્નર સમાજની ભલાઈ માટે હું ધર્મથી રાજકારણ તરફ આવી છું.

તેઓએ કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં નથી. તેમણે પણ ધર્મનું કામ કર્યું છે. અમારો પ્રયાસ માત્ર એટલો જ છે કે, અમારી વાત સરકાર સુધી પહોંચે. એટલા માટે વારાણસી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.તેમણે કહ્યું કે, સરકારે 'બેટી બચાવો બેટી પઢાવો'ના નારા આપ્યા છે. અમે તેની કદર કરીએ છીએ, દીકરીઓ જગત જનનીનું સ્વરૂપ છે, પરંતુ સરકાર અર્ધનારીશ્વરને ભૂલી ગઈ છે.

આ સૂત્ર અમે પણ સાંભળવા માગીએ છીએ, એ દિવસ ક્યારે આવશે? કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર પોર્ટલ બહાર પાડ્યું છે પરંતુ શું કિન્નરોને તેના વિશે ખબર છે? જે લોકો રસ્તા પર ભીખ માગી રહ્યા છે તેમને ખબર જ નથી કે તેમના માટે કોઈ પોર્ટલ છે.તેમણે સવાલ કર્યો કે, જ્યારે સરકારે પોર્ટલ બહાર પાડ્યું ત્યારે તેનો પ્રચાર કેમ ન કર્યો? ટ્રાન્સજેન્ડર બોર્ડ બનાવવાથી કંઈ જ નથી થતું. સરકારે કિન્નર સમાજ માટે બેઠકો અનામત રાખવી પડશે, ત્યારબાદ જ પરિસ્થિતિ બદલાશે.