અપડેટ@દેશ: આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાતમાં, જાણો ક્યાં કરશે મતદાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આવતીકાલે તા. 7 મે, મંગળવારના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન થવાનું છે. ત્યારે આજે મતદાન અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંગળવારે ગુજરાતમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આજે ગુજરાત આવી પહોચશે. પીએમ મોદી મંગળવારે રાણીપની નિશાંત સ્કૂલમાં મતદાન કરશે. જેથી સુરક્ષાના ભાગરુપે આજે ત્યાં સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.
જેથી સુરક્ષા ભાગરુપે ત્યાં આજે SPG અને રાણીપ પોલીસ દ્વારા અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત રાણીપના મતદાન બુથ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પીએમ મોદી સાતમી તારીખે સવારે 7.30 કલાકની આસપાસ મતદાન કરી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે.
માહિતી પ્રમાણે પીએમ મોદી સવારે મતદાન કરી ગુજરાત સહિત ત્રીજા તબક્કામાં આવનારા રાજ્યોના મતદારોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉત્સવ મનાવવા અપીલ કરી સીધા પોતાના નિર્ધારિત પ્રચાર પ્રવાસ માટે નિકળી જશે. તેમની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુર ખાતે આવેલી મ્યુનિસિપલ કચેરી ખાતે મતદાન કરશે.ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાન થવાનું છે.
ગુજરાતની પાછળની ચૂંટણીઓ પર નજર કરીએ તો ગત લોકસભાની બે ચૂંટણીઓમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે જો આ વખતે ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં તેની હેટ્રિક થઈ જશે. વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 26માંથી 12 બેઠકો મેળવી હતી. જોકે, નરેન્દ્ર મોદીના નામ પર ચલાવાયેલા આક્રમક અભિયાનમાં 2014માં ગુજરાતમાંથી કોંગ્રેસે એકપણ બેઠક જીતી ન હતી. જ્યારે 2019ની ચૂંટણીમાં પણ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો હતો. તો એની સામે 2019ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને ફટકો આપ્યો હતો.