અપડેટ@વડોદરા: બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 9 થયો, ઈજાગ્રસ્તોને હોસ્પીટલ સારવાર માટે ખસેડાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારે વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતાં. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં મૃત્યુ આંક 9 થયો છે. નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. 5 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ચાર ઈજાગ્રસ્તોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બ્રિજ પર બે પિલ્લરો વચ્ચેનો સ્લેબ ધસી પડતાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું હતું કે, વહેલી સવારે ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. આ ઘટનામાં બ્રિજ પરથી પસાર થતાં બે ટ્રક , બે ઈકો વાન, એક પીક અપ વાન સહિતના વાહનો નદીમાં ખાબક્યા હતાં.
બે પિલ્લરો વચ્ચેનો સ્લેબ તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ છે. હાલમાં લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટનામાં જે કોઈ કસૂરવાર હશે તેની સામે પગલાં લેવાશે પણ હાલમાં રેસ્ક્યૂ ઓપરેશનને મહત્વ અપાયું છે.212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી હતી. સમગ્ર ઘટના અંગે ટેકનિકલ એક્સપર્ટ ટીમને તપાસ સોંપાઈ છે. માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયાએ કહ્યું હતું કે, બ્રિજના એક ભાગને નુકસાન થયું છે. મુખ્ય ઈજનેર અને એક્સપર્ટ ટીમને ઘટના સ્થળે મોકલી છે. આ બ્રિજ વાહનવ્યવહાર માટે ચાલુ જ હતો.