ખળભળાટ@દેશ: ન્યૂયોર્કથી ભારત આવતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત આવી રહેલી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ઈટાલીના રોમ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આ ફ્લાઇટ ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહી હતી. સુરક્ષા ખતરાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને ઈટાલીના રોમ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. માહિતી પ્રમાણે ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો, ત્યારબાદ ફ્લાઇટને રોમના ફિયુમિસિનો એરપોર્ટ તરફ વાળવાનો નિર્ણય કરાયો હતો.
ફ્લાઇટને ડાયવર્ટ કરીને રોમમાં લેન્ડ કરવામાં આવી રહી છે. ત્યારબાદ સમગ્ર ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી અને હવે ક્લિયરન્સ પછી ફ્લાઇટને દિલ્હી તરફ મોકલવામાં આવશે. બોઇંગ 777-300ER વિમાને આજે જોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી. આ એક નોન-સ્ટોપ ટ્રાન્સકોન્ટિનેન્ટલ ફ્લાઇટ હતી. જોકે, ઉડાન ભર્યા બાદ, ક્રૂ મેમ્બર્સને વિમાનમાં સંભવિત વિસ્ફોટક ઉપકરણ હોવાની ગુપ્ત માહિતી મળી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સલામતી પ્રોટોકોલ મુજબ ફ્લાઇટને તાત્કાલિક ઇટાલી તરફ વાળવામાં આવી હતી.