ખળભળાટ@દેશ: ચૂંટણી ટાણે મંત્રીના સેક્રેટરીના નોકરને ત્યાંથી 30 કરોડની રોકડ જપ્ત કરાઇ

 
કાર્યવાહી
EDનું માનવું છે કે આ કાળા નાણાંનો એક ભાગ છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન રોકડ રૂપે મોટી રકમ જપ્ત કરી હતી. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી EDએ આ જંગી રોકડ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ રૂપિયા 20 થી 30 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. હાલમાં નોટ ગણવાના મશીનો મંગાવાયા છે.

ED એ ફેબ્રુઆરી 2023માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે. રામની ધરપકડ કરી હતી. કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. EDનું માનવું છે કે આ કાળા નાણાંનો એક ભાગ છે. થોડા દિવસ પહેલા જ જ્યારે વડાપ્રધાન મોદી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કાર્યવાહી તેમની રેલીના થોડા દિવસો બાદ થઈ છે જેમાં મોટી રકમની રોકડ મળી આવી છે.આલમગીર આલમ પાકુર વિધાનસભાથી ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં રાજ્ય સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે.

આ પહેલા આલમગીર આલમ 20 ઓક્ટોબર 2006 થી 12 ડિસેમ્બર 2009 સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા. રાજકારણનો વારસો મેળવ્યા બાદ આલમગીરે સરપંચની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 2000માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારથી અત્યાર સુધીમાં 4 વખત ધારાસભ્ય બન્યા છે.