ખળભળાટ@ફતેપુરા: તલાટીએ 8.95 લાખની ઉચાપત કર્યાની ખુદ સરપંચની ફરિયાદ, બોગસ કામોનું પેમેન્ટ થયાનો આરોપ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકાનું હેડ ક્વાર્ટર ખુદ ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટીએ બોગસ કામો આધારે પેમેન્ટ ચૂકવી ઉચાપત કર્યાનો સનસનીખેજ આક્ષેપ ખુદ નવા સરપંચે કર્યો છે. આ સાથે એક અરજદારે પણ મુખ્યમંત્રીને ફરિયાદ કરી તાત્કાલિક અસરથી તપાસ કાર્યવાહી કરવા નહિ તો આત્મ વિલોપન કરીશ તેવી તૈયારી બતાવતી ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તત્કાલીન વહીવટદાર અને તલાટીએ ભેગા મળીને ગ્રામ પંચાયત હદ વિસ્તાર બહાર અને ખાનગી જગ્યામાં રસ્તો કર્યો હોવાનું બતાવી નાણાં ઉપાડી એજન્સીને ચૂકવી દીધા હતા. એક કામના 6 લાખથી વધુ અને બીજા કામના 2 લાખથી વધુ એમ સરેરાશ 9 લાખ જેટલી રકમ નવા સરપંચે ચાર્જ લીધાની ગણતરીની મિનિટો પહેલા કી આધારે ટ્રાન્સફર કર્યાની ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયતના કથિત કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 15 જુલાઇ પહેલાં સુધી વહીવટદારના શાસનમાં અનેક વિવાદાસ્પદ કામો થયા પરંતુ જે દિવસે એટલે કે, 17/7/2025 ના સવારે 11 વાગ્યે નવા સરપંચ પંચાલે ચાર્જ લીધો તેના બરોબર કલાક પહેલા એક મોટી રકમ તલાટી અને વહીવટદારે ટ્રાન્સફર કરી હતી. જેની તપાસ ખુદ સરપંચે કરતાં ઘડીભર પગ તળેથી જમીન સરકી જાય તેવી હાલત સર્જાઇ હતી. આખરે ફતેપુરા સરપંચ પ્રવિણ પંચાલ અને જાગૃત નાગરિક વિનોદ અગ્રવાલે ફરિયાદ કરી કે, તલાટી રાકેશ ચરપોટ અને તત્કાલીન વહીવટદાર રાવતે ખાનગી જગ્યામાં અને તેમાં પણ ગ્રામ પંચાયત હદ વિસ્તારની બહારના કામો આધારે સરેરાશ 9 લાખ એજન્સીને ચૂકવી દીધા છે. જેમાં ડમ્પિંગ યાર્ડની બાજુમાં કમ્પાઉન્ડ વોલના 2,70,000 અને તેની આગળ એક ખાનગી પ્લોટની બાજુની જગ્યામાં રોડ કર્યા પેટે 6,25,000 ખર્ચ થયાનું કાગળ ઉપર બતાવી એજન્સીને રકમ ચૂકવી દીધી હતી. વાંચો નીચેના ફકરામાં.
સમગ્ર મામલે ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણ પંચાલે જણાવ્યું હતું કે, ખાનગી જગ્યામાં સરકાર એટલે કે ગ્રામ પંચાયતના ખર્ચે રોડ ના થાય છતાં મને વિશ્વાસમાં લીધા વગર ચૂકવણું કર્યું છે તેમજ ડમ્પિંગની બાજુમાં કમ્પાઉન્ડ વોલની જગ્યા પણ અમારા ગામમાં નથી છતાં તલાટી અને વહીવટદારે ચૂકવણું કર્યું છે. આ ચૂકવણાની ફરિયાદ પછી તલાટી ભાગ્યે જ ગ્રામ પંચાયત આવે છે અને હવે વહીવટદાર ના હોવાથી સમગ્ર બાબતે અમોએ તપાસ માંગી છે. આ ગંભીર ફરિયાદ હોઈ અટલ સમાચાર ડોટ કોમ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ આધારે આગામી દિવસોએ સ્પેશ્યલ રિપોર્ટ જાણીએ.