ખળભળાટ@સરકાર: આરોગ્યના સચિવ અને વચેટિયા 30 લાખની લાંચના આરોપી, તપાસ રફેદફે કરવા તોડ કરતાં

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગુજરાત સરકારમાં લાંચની અત્યાર સુધીની અનેક ઘટનાઓ પૈકી કાલે 8 એપ્રિલે બનેલી એસીબી ટ્રેપની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. સરકારના એક નહિ અનેક વિભાગમાં ખળભળાટ, ચકચાર અને તાંડવ ઉભું કરતી ઘટનાનો પર્દાફાશ થયો છે. ક્લાસ વન અધિકારી અને ડોક્ટર વિરુદ્ધની તપાસ કરતાં આરોગ્ય વિભાગના અધિક સચિવે આખો કેસ રફેદફે કરવા તોડ કરવાનો પ્લાન કર્યો એમાં પકડાઇ ગયા છે. જરા વિચાર કરો કે, એક અધિકારી સામેની તપાસ પૂર્ણ થઈ, રિપોર્ટ બની ગયો અને કાર્યવાહી થવાનું સ્ટેજ આવ્યું ત્યારે પણ તોડ થાય છે તેનો ઘટસ્ફોટ આ એસીબી ટ્રેપથી સામે આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ અને તેનો વચેટિયો અધધધ....30 લાખની લાંચમા પકડાઇ ગયા છે. અગાઉ 15 લાખ લીધા હતા અને બાકીના 15 લાખ સ્વિકારતા અમદાવાદ ફિલ્ડ 3 એસીબી ટીમે પકડી લીધાં તેમાં ખંડણીનો પણ ખુલાસો થતાં વહીવટી આલમમાં ચકચાર મચી જવા પામી છે. વાંચો નીચેના ફકરામાં તમારું કાળજી હચમચાવી દેતી ઘટના
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમા અંદરોઅંદર પણ કેવાં કાંડ ચાલતાં હોય તેનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોગ્ય વિભાગના જ એક અધિકારી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ બજાવતાં હતા. તે વખતે આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી પ્રક્રિયા હેઠળ હતી. જે બાદમાં તપાસ રફેદફે કરવા ખંડણી માંગ્યાની ફરીયાદ આરોગ્ય વિભાગના કમિશ્નરને થયેલ હતી. આ ઘટનાક્રમ વચ્ચે ફરીયાદી એવા અધિકારી અને તેમના સાથી ડોક્ટરને ફરજ મોકુફી ઉપર ઉતારી આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડોક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના તપાસ બાબતના અધિક સચિવ દીનેશભાઇ પરમાર, વર્ગ-૧ના એ ખાતાકીય તપાસ ઓક્ટોમ્બર-૨૦૨૪માં પુર્ણ કરી અહેવાલ જાન્યુ-૨૦૨૫માં જમા કરાવી દીધો હતો.
હવે અહિંથી ફાસ્ટ સ્પિડમા શરૂ થયો તોડ કાંડનો સિલસિલો. આ ગિરીશ જેઠાલાલ પરમાર કે જેઓ અગાઉ સરકારી ડેન્ટલ કોલેજના ડીન હતા અને અત્યારે વચેટિયા થઈ ફરીયાદી એવા અધિકારીનો સંપર્ક કરી ફરીયાદી તથા તેમના સાથી ડોક્ટરને પ્રાથમીક તપાસનાં કામે તરફેણમાં કરી આપવા એટલે કે કાર્યવાહીમાં મદદ આપવા માટે અધિક સચિવ દીનેશ પરમાર સાથે મીટીંગ કરવા બોલાવ્યા હતા. જેથી ફરીયાદી એવા અધિકારી અને તેમના સાથી ડોક્ટર મિત્ર ગાંધીનગર ખાતે જઇ નિવૃત્ત ડીન ગિરીશ પરમાર અને અધિક સચિવ તપાસ દિનેશ પરમારને રૂબરૂમાં મળી વાતચીત કરી હતી.
આ દરમ્યાન બન્ને આરોપીઓએ એકબીજાનાં મેળાપીપણામાં ફરીયાદી અને તેમના સાથી ડોક્ટર એમ બન્નેનાં કુલ રૂ.૩૦,૦૦,૦૦૦/- ની લાંચ મની માંગણી કરેલ હતી. અને તે પૈકી રૂ.૧૫,૦૦,૦૦૦/- એડવાન્સ અને બાકીનાં ફરીયાદીનું કામ થઇ ગયા પછી આપવાનો વાયદો થયો હતો. ત્યાર બાદ આરોપી નં-૨ એવા નિવૃત્ત ડીન ગિરીશ પરમારે અવારનવાર ફરીયાદીને ટેલીફોન કરી 15 લાખ નાણાંની માંગણી કરી હતા પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતાના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આથી એસીબીએ લાંચનાં છટકાનું આયોજન કરતાં લાંચનાં છટકા દરમ્યાન નિવૃત્ત ડીન ગિરીશ પરમારે પોતાના ઘરે લાંચનાં નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાં 15 લાખ સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયા છે.
આ સમગ્ર ટ્રેપમાં ટ્રેપીંગ ઓફીસર
એસ.એન.બારોટ પો.ઇન્સ. એ.સી.બી.ફિલ્ડ ૩ ( ઇન્ટે.),અમદાવાદ અને તેમની ટીમ હતી.