ખળભળાટ@મોડાસા: આયોજન અધિકારી ઉપર અમાનુષી ત્રાસ? ગાડી જપ્ત, ચેમ્બરમાંથી હટાવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી અને કલેક્ટર વચ્ચે કોઈને કોઈ કારણોસર ઉભો થયેલ મતભેદ કે વિવાદ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. તપાસ નામનો વિષય તેની મંઝિલ એટલે કે અહેવાલ સુધી પહોંચે તે પહેલાં જ સરકારી ગાડી જપ્ત કરી લેવામાં આવી છે. આટલું જ નહીં એટલા હદે કલેક્ટર દ્વારા પગલાં લેવામાં આવ્યાં કે, ડીપીઓ પાંડેની હાલત માનસિક તાણ હેઠળ આવી છે. અમાનુષી ત્રાસ જેવી અનુભૂતિ થતાં અરવલ્લી જિલ્લા આયોજન અધિકારીએ રીતસર વિભાગ સમક્ષ રક્ષણની માગણી કરતાં ખળભળાટ મચી ગયો છે. કલેક્ટરે એક તરફ તપાસ હાથ ધરી જણાવ્યું તો બીજી તરફ તપાસ કરનારા અધિકારી તપાસ ના હોવાનું કહી અમને જણાવી રહ્યા છે. તો બીજી તરફ ડીપીઓ કચેરીમાં જઈને તપાસનું કહી કાગળો માંગી રહ્યા છે. ગુજરાતમાં અગાઉ ક્યારેય ના બન્યું હોય તેવો ભયંકર રસપ્રદ અને ચિંતાજનક ઘટનાક્રમ જાણીએ આ અહેવાલમાં.
અરવલ્લી જિલ્લા કલેક્ટર તરીકે મે 2026થી મિલિન્દ બાપના આવ્યા છે અને બે વર્ષથી વધુ સમયથી જિલ્લા આયોજન અધિકારી તરીકે શશાંક પાંડે ફરજ ઉપર છે. હવે જ્યારથી કલેક્ટર મિલિન્દ બાપના આવ્યા ત્યારથી આણંદ જિલ્લામાં થયેલ અનુભવ આધારે ડીપીઓ કચેરી ઉપર જાણે બાજ નજર અને કડક શબ્દોમાં ઠપકા શરુ કરી દીધા છે. અહિં સુધી જિલ્લાના વડા તરીકે ઠપકો, સમજણ કે માર્ગદર્શન ડીપીઓ પાંડેને બરાબર થયું હોય પરંતુ અચાનક પારિવારિક તંદુરસ્તીનો પ્રશ્ન આવતાં ડીપીઓ પાંડે રજા ઉપર જતાં મામલો બિચક્યો છે. મનાઇ છતાં આરોગ્યનો પ્રશ્ન હોઈ રજા ઉપર ગયેલ ડીપીઓ પાંડે જ્યારે ફરજ ઉપર હાજર થતાં તાત્કાલિક ચોંકાવનારી પરિસ્થિતિ બનતી ગઈ છે. કલેક્ટરે તાબડતોબ ઈ-સરકારમાં ફાઇલો મૂકવાની મનાઇ કરીને ડીપીઓની સરકારી ગાડી અને ડ્રાઈવર જ જપ્ત કરી લીધા છે. આટલું જ નહીં કલેક્ટર મિલિન્દ બાપનાએ જે કર્યું તે નીચેના ફકરામાં વાંચી જુઓ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અરવલ્લી કલેક્ટર મિલિન્દ બાપનાએ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી પાંડેની સત્તાવાર ચેમ્બર ખાલી કરાવી કરાર આધારિત કર્મચારીઓને ફાળવી દીધી છે. આટલું જ ડીપીઓની નેમ પ્લેટ પણ ઉતરાવી દીધી ત્યારે હાલમાં ડીપીઓ કચેરીમાં ડીપીઓની બેઠક શોધે જડતી નથી. આવી પરિસ્થિતિમાં અરવલ્લી ડીપીઓને ચેમ્બર બહાર કાઢી દીધા એમ સમજવાનું? આ બાબતે સૂત્રોએ જણાવ્યું કે, કોઈપણ કાગળ કે જાણ સારું નકલ પણ મળી નથી અને કલેક્ટર કચેરીમાંથી 3 કરાર આધારિત કર્મચારીઓને ડીપીઓની ચેમ્બર આપી દીધી છે. કલેક્ટરે ગાડી મૂકાવી દીધી અને ડ્રાઈવરને લિવ રિઝર્વ હેઠળ કલેક્ટર કચેરી હેઠળ લીધા તેના પણ કાગળો ડીપીઓ કચેરીને મળ્યા નથી તેવી વિગતો આ લખાય છે ત્યાં સુધી આવી છે. આ સિવાય પણ અનેક નાની મોટી સુચનાઓ અને અતિ કડક પગલાં એ પણ શિક્ષાત્મક હુકમ નથી છતાં આવી કાર્યવાહી થતાં ડીપીઓ પાંડેએ વિભાગને રજૂઆત કરી માનસિક રક્ષણની માંગ કરી છે.
પ્રભારી મંત્રીના જિલ્લા કક્ષાના સરેરાશ 2 કરોડના કામો રદ્
અરવલ્લી કલેક્ટર મિલિન્દ બાપનાએ અચાનક કોઈ કારણસર પ્રભારી મંત્રીની અધ્યક્ષતા વાળા વિવેકાધીન હેઠળના જિલ્લા કક્ષાના સરેરાશ 2 કરોડ રૂપિયાના કામો તાત્કાલિક રદ્ કરી દીધા છે. આવી પરિસ્થિતિમાં શું આ કામો નવેસરથી મંજૂર કરતાં વિકાસના કામો વિલંબમાં જાય તેવા સવાલો ઉભા થયા છે.
તપાસ છે તો ના કેમ પાડો છો?
અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ જણાવ્યું કે, ડીપીઓ પાંડે સામે તપાસ હાથ ધરી છે પરંતુ આવી તપાસનો કોઈ કાગળ અરવલ્લી ડીપીઓ કચેરીને કેમ મળ્યો નથી? જો હકીકતમાં તપાસ છે તો તપાસ કરનાર અધિકારી કેમ એવું બોલે છે કે, આવું કંઈ નથી. તપાસ કરનાર અધિકારીઓ ડીપીઓ કચેરીમાંથી કાગળો મેળવે છે ત્યારે સદર કાગળો સરકારી અને ગોપનીય હોય ત્યારે તે કાગળો માંગતા અને મેળવવામાં તપાસના કામે એવો આધાર આપેલ છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

