ખળભળાટ@ઝાલોદ: ધારાસભ્ય સહિત 4 ડીરેક્ટરોના નામજોગ પ્લોટ કૌભાંડની અરજી, તપાસનો ધમધમાટ

 
ઝાલોદ
4 ડિરેક્ટરોએ કૌભાંડ આચર્યું હોવાનો સનસનીખેજ આક્ષેપથી ચકચાર મચી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ઝાલોદ માર્કેટયાર્ડના સત્તાધીશોએ સહકારી કાયદાની જોગવાઇઓ વિરુદ્ધ પ્લોટ વેચાણ કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ પૂર્વ વાઇસ ચેરમેને કરેલા છે. હવે આ મામલે ચેરમેન, વાઈસ ચેરમેનની નવી ચુંટણી હાલ પૂરતી મોકૂફ રહી પરંતુ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીએ જઇ ડિરેક્ટર વિજયભાઈ કોળીએ ચોંકાવનારી વિગતોના કાગળો રજૂ કરી દીધા છે. સાધનિક પુરાવા સાથે આપેલી એક અરજીમાં તો ધારાસભ્ય મહેશ ભુરિયા સહિત 4 ડિરેક્ટરો વિરુદ્ધ કૌભાંડની તપાસ માંગી છે. જેમાં વેપારી વિભાગના 2 અને ખેડૂત વિભાગના 2 મળી 4 ડિરેક્ટરોએ કૌભાંડ આચર્યું હોવાનો સનસનીખેજ આક્ષેપ ખુદ ડિરેક્ટર વિજયભાઈ કોળીએ કરતાં ચકચાર મચી ગઇ છે. આ બાબતે દાહોદ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ ડિરેક્ટર વિજયભાઈ કોળી પાસેથી માહિતી મેળવી ધોરણસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.


દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આવેલી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ ચેરમેન તરીકે હાલના ભાજપી ધારાસભ્ય મહેશ ભુરિયા છે. હવે અહિંની માર્કેટયાર્ડમાં પૂર્વ વાઇસ ચેરમેન વિજયભાઈ કોળીએ પ્લોટ ફાળવણી, વેચાણ, દસ્તાવેજમાં ભયંકર ગેરરીતિ થઈ હોવાનું શોધી કથિત આક્ષેપ સાથે જાહેરમાં ચોંકાવનારી વિગતો મૂકી છે. જેમાં અગાઉ વિડિયો વાયરલ કર્યા બાદ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં પહોંચી પ્લોટ વેચાણ/દસ્તાવેજમાં કઈ બાબતે ગંભીર ગેરરીતિ/કૌભાંડ થયું તેની લેખિત/મૌખિક વિગતો આપી છે. અરજીમાં ધારાસભ્ય કમ ડિરેક્ટર મહેશ ભુરિયા, ડિરેક્ટર જોરસિંગ માવી અને ડિરેક્ટર પંકજ કર્ણાવટ અને હિતેન્દ્ર પટેલ વિરુદ્ધ નામજોગ આક્ષેપ કર્યા છે. જેમાં પંકજ કર્ણાવટે પ્લોટ નંબર 754 પોતાના નામે કર્યો, હિતેન્દ્ર પટેલે પ્લોટ નંબર 766, 769 અને 770 પોતાના નામે કર્યા તેમજ એક જ રેશનકાર્ડ પર 5થી 15 વ્યક્તિઓના નામે જમીન, પ્લોટ, દુકાન કમ ગોડાઉનનું વેચાણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.

વેચાણ દસ્તાવેજ એટલે કે 99 વર્ષ સુધી જોગવાઈ વિરુદ્ધ જઈને પ્લોટ આપનાર ડિરેક્ટરોને હોદ્દા પરથી દૂર કરવાની માંગણી પણ ડિરેક્ટર વિજયભાઈ કોળીએ કરી છે. જિલ્લા રજીસ્ટ્રારને આપેલી રજૂઆત બાદ અધિકારી/સરકાર દ્વારા તટસ્થ તપાસ અને કાર્યવાહી નહીં થાય તો કાયદાકીય માર્ગે જવા તૈયાર હોવાનું પણ વિજયભાઈ કોળીએ જણાવ્યું છે. આ તરફ દાહોદ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ ડિરેક્ટર પાસેથી વિગતો મેળવી આક્ષેપ મુજબના પુરાવા એકત્રિત કરવા કવાયત હાથ ધરી છે. જેમાં ડિરેક્ટરે આપેલી વિગતો મુજબ ભૂતકાળના ઠરાવો, સામાન્ય સભાએ પાસ કરેલ/હુકમ કરેલ કાગળો, પ્લોટના વેચાણ દસ્તાવેજના કાગળો સહિતની માહિતી ભેગી કરવામાં આવશે. આ બધી વિગતો કાગળ ઉપર આવી ગયા બાદ સહકારી કાયદાની જોગવાઇઓ અને એપીએમસી એક્ટની જોગવાઈ સહિતનુ ધ્યાને લઇ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ બાબતોને પગલે ઝાલોદ માર્કેટયાર્ડના વેપારી અને ખેડૂત વિભાગ આલમમાં ચકચાર મચી ગઇ છે.