ખળભળાટ@નડીયાદ: 55 લાખની લાંચ માંગી, 10 લાખ લેતાં રંગેહાથ ઝડપાયા એકસાથે 2 જીએસટી અધિકારી

 
Nadiyad
લાંચના નાણાં સ્વિકારતા જીએસટી ભવનમાં જ પકડાઇ ગયા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ગુજરાતમાં ભર ઉનાળે રાજકીય ગરમી વચ્ચે આજે નડિયાદથી છેલ્લા કેટલાય વર્ષોના સૌપ્રથમ કહી શકાય તેવા ચકચારી સમાચાર સામે આવ્યા છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સપાટો પાડી રહ્યો ત્યારે આજે અધધધ.. 55 લાખ રૂપિયાની લાંચ માંગતા એકસાથે 2 જીએસટી અધિકારી ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. ક્લાસ ટુ ઓફિસરે વેપારી પાસે કાર્યવાહી સામે 55 લાખ માંગેલા ત્યારે આજે પ્રથમ તબક્કે રૂ.10 લાખ લેતાં ગુજરાત એસીબી ટીમે રંગેહાથ ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી છે. કેન્દ્રિય જીએસટીના સુપ્રિટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટર એમ કુલ 2 અધિકારીએ અડધા કરોડ ઉપરની લાંચ માંગી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં વહીવટી અને વેપારી આલમમાં ગરમાવો આવી ગયો છે. નીચેના ફકરામાં વાંચો વિગતવાર.


આજે ગુજરાતની જાંબાઝ એસીબીએ અચાનક નડિયાદ ખાતેની સેન્ટ્રલ જીએસટી કચેરીમાં રેઇડ કરી 2 અધિકારીને લાંચના ગુનામાં ઝડપી લીધા છે. જેમાં હકિકત એવી છે કે, ટ્રાન્સપોર્ટેશનનો વેપાર કરતા એક વેપારીની સામાન ભરેલી ગાડી નડીયાદ સેન્ટ્રલ જી.એસ.ટી. અધિકારીએ પકડી નડીયાદ સેન્ટ્રલ જી.એસ.ટી. ઓફીસ ખાતે માલવાહક ગાડી મૂકી દેવામાં આવી હતી. આથી ગાડી છોડાવવા છતાં વેપારી સમક્ષ અધિકારીઓએ તોડ પાડવા ગોઠવણ કરી હતી. ગાડીમા રહેલ માલ-સામાનના કાગળોમાં જી.એસ.ટી બાબતે ક્ષતિ નહિ કાઢી ગાડી છોડવાના અવેજ પેટે સુબોધ સુભાષ ચૌહાણ, જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, જી.એસ.ટી. ભવન નડીયાદ. અને અમરનાથ ગોવર્ધનરામ સરોજ,  સુપ્રિટેન્ડન્ટ સેન્ટ્રલ જી.એસ.ટી.ભવન નડીયાદ, વર્ગ-૨ નાઓએ રૂબરૂમાં ફરીયાદી વેપારી પાસે પ્રથમ રૂ.૫૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. 

આ દરમ્યાન રૂ. 55 લાખ પૈકીના પ્રથમ હપ્તાના રૂ.૧૦,૦૦,૦૦૦/- લાંચની રકમ પહેલાં આપી દેવા જણાવ્યું હતુ. આ તરફ ફરિયાદ કમ વેપારી લાંચના નાણાં આરોપીને આપવા માંગતા ના હોય ગાંધીનગર એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આથી મદદનીશ નિયામક અને નાયબ નિયામકના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર એસીબી પોલીસે આજએ લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન બંને જીએસટી અધિકારી ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારતા જીએસટી ભવનમાં જ પકડાઇ ગયા હતા. ગાંધીનગર એસીબી પોલીસે સમગ્ર મામલે લાંચ બાબતના ગુના હેઠળ બંને અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.