ખળભળાટ@સાબરકાંઠા: ટેન્ડર વિના, અમાન્ય એજન્સીથી ખરીદેલ 5 કરોડના રોપામાં નવો ઘટસ્ફોટ

 
સાબરકાંઠા
સમગ્ર ગ્રાન્ટ ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખાની જે કુલ 5 તાલુકા પંચાયતમાં આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના તળે 5 તાલુકા પંચાયત દ્રારા ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ થયું છે. ટેન્ડર વગર નિયમો નેવે મૂકી અને તેમાં પણ અમાન્ય એજન્સી પાસેથી 5 કરોડના રોપા ખરીદીમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. સૌથી ઉંચા ભાવે અને રોકડી કરી લેવાની લ્હાયમાં માન્યતા વગરની નર્સરી પાસેથી રોપા ખરીદવામાં આવ્યા હતા. સમગ્ર મામલે અનેક મુદ્દે ક્ષતિઓ અને સુનિયોજિત કૌભાંડ છતાં ડીડીઓ તપાસ આપતાં નથી. કૌભાંડીઓની વગ તો જુઓ કે, ખરીદી સમયે જીએસટી નંબર, હોર્ટિકલ્ચરનો એક્રેડિએશન નંબર અને ટેન્ડર વગર 5 કરોડનું મટીરીયલ ખરીદી લેવામાં અને સામે વેચવામાં સફળ રહ્યા છે. જાણીએ બાગાયતના રોપાનું આ ચકચારી કૌભાંડ કેવું છે.


સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજનામાં રોપા ખરીદીમાં કૌભાંડ જ નહિ પરંતુ મહા કૌભાંડ થયું છે. સૌથી ઉંચા ભાવે અને ટેન્ડર વગર ઈચ્છા મુજબની એજન્સી પાસેથી અધધધ.....5 કરોડના આંબાના રોપા ખરીદીમાં સરકારના હિતોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. કુલ 5 તાલુકામાં અલગ અલગ રકમના બીલો મૂકી હોર્ટિકલ્ચર બોર્ડનું એક્રેડિએશન નહિ હોવા છતાં ચૂકવણું કરી દીધા સાથે વધુ એક ઘટસ્ફોટ થયો છે. જીએસટીની ઓનલાઇન સિસ્ટમમાં સદર એજન્સીને મળેલ જીએસટી નંબર પહેલાં બીલો મૂકી દેવામાં આવ્યા હતા. અનેક બીલોમા મટીરીયલ ચૂકવ્યા બાદ મસ્ટરો કાઢવામાં આવ્યા, કલ્પ્ના બહારની કિંમતે રોપા ખરીદ્યા અને તેમાં હવે જવાબદારીનો સવાલ ઉભો થયો છે. વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર ગ્રાન્ટ ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખાની જે કુલ 5 તાલુકા પંચાયતમાં આવી હતી. જાણકારોના મતે, ડીઆરડીએની જવાબદારી તો બને જ કે, ઢગલાબંધ વર્ક કોડમાંથી રેન્ડમલી અમુક વર્ક કોડની ફાઈલના સઘળા કાગળો તપાસમાં આવ્યા હોત તો કૌભાંડ પકડી શકાયું હોત. આ સાથે હોર્ટિકલ્ચર બોર્ડનુ એક્રેડિએશન ના હતું તો કોણે અને કેમ દબાણ કરાવી તાત્કાલિક કરોડોની ગ્રાન્ટ ચૂકવવા તાકાત લગાવી ? આ બાબતે નિષ્ણાતોએ જણાવે છે કે, ડીડીઓ સદર કામમાં સરકારનું હિત જોવામાં અને ધ્યાને આવ્યા પછી તપાસ કરવામાં નિષ્ફળ ગયા છે.


પીઆઈએલ થાય તો અનેક વિરૂદ્ધ ચોંકાવનારી કાર્યવાહી સંભવ


સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગા હેઠળ રોપા ખરીદીનું આ કૌભાંડ રેકર્ડ ઉપરનું અને ફુલ પ્રુફ પુરાવા સાથેનું છે. આથી સીઆરડી તાત્કાલિક કાર્યવાહી કરી શકે તેવો કેસ માનવામાં આવે છે. જોકે પીઆઈએલ થાય તો ગ્રાઉન્ડ લેવલથી માંડી જિલ્લા સુધીમાં અનેક વિરૂદ્ધ ચોંકાવનારી કાર્યવાહી થઈ શકે તેવું ચકચારી કૌભાંડ છે.