ખળભળાટ@શંખેશ્વર: ગેરકાયદેસર માટી ખનન અને ડમ્પિંગ, સોલાર કંપનીને 83 લાખનો દંડ

 
સંખેશ્વર

83 લાખની પેનલ્ટી કરી રકમ 30 દિવસમાં ભરવા હુકમ કર્યો છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


શંખેશ્વર તાલુકાના કુંવર નજીક ગેરકાયદેસર રીતે માટી ખનન અને ડમ્પિંગ મામલે થયેલી તપાસમાં તંત્ર દ્વારા ચોંકાવનારી કાર્યવાહી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી તપાસને અંતે પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીએ સદર કેસમાં સોલાર કંપનીને 83 લાખનો દંડનીય હુકમ કર્યો છે. આ રકમ ભરી દેવા 30 દિવસની મુદ્દત આપી છે દંડનીય કાર્યવાહીથી પંથકના ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવર ગામ પાસે પડતર જમીનમાંથી ગત સમયે ગેરકાનૂની માટી ખનન થયું હતુ.‌ આ ખનનનુ ડમ્પિંગ નજીક આવેલી સોલાર કંપનીના સુચારુ માર્ગ પરિવહન માટે થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાનમાં આવ્યું હતુ. આથી પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ ખનનવાળી અને ડમ્પિંગ વાળી જગ્યાએ રૂબરૂ તપાસ કરી પ્રાથમિક નોટીસ ફટકારી હતી. આ નોટીસ સામે ટોરેન્ટ સોલાર પાવર પ્રોજેક્ટ કંપનીએ જવાબ કર્યો હતો. જોકે કંપનીના જવાબ અને ભૂસ્તરશાસ્ત્રીની તપાસને અંતે ચોંકાવનારો દંડનીય હુકમ થયાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પાટણ જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીના કર્મચારી પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, 83 લાખની પેનલ્ટી કરી રકમ 30 દિવસમાં ભરવા હુકમ કર્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શરૂઆતમાં દંડનીય રકમ 30થી 40 લાખ હોઈ શકે તેવી વાત આવી હતી પરંતુ કેસના સાધનિક કાગળો અને પારદર્શક તપાસને અંતે કુલ 83 લાખનો હુકમ થયો છે. આવી સ્થિતિમાં પાટણ જિલ્લાના ખનીજ માફિયાઓમાં ફફડાટ અને દોડધામ મચી જાય તેવી નોબત બની છે. આ દરમ્યાન જો ભૂસ્તરશાસ્ત્રી કચેરીના કર્મચારી પ્રજાપતિએ જણાવ્યું કે, દંડનીય રકમ કંપની નહિ ભરીને જો અપીલમાં જશે તો ગાંધીનગરથી સમગ્ર કેસ ચાલે, અત્યારની સ્થિતિએ પણ દંડનીય રકમ સામે અપીલના 7થી 8 કેસ વડી કચેરીએ ચાલતા હોવાનું પણ કહ્યું હતુ.