ખળભળાટ@સુરેન્દ્રનગર: ના.મામલતદારની ધરપકડથી ખુલ્લા કૌભાંડના સૂત્રધારો, ખુદ કલેક્ટર સામેલ

 
Kaubhand
દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના પુરાવા મળ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન NA કરાવવાના કૌભાંડ મામલે ઇડીએ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે.

એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે.23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.


ઈડીના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને ACBમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વિશ્વસીનય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટે પાયે જમીનકૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના લોકો સામેલ છે. ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેરમીટરદીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા છે.

સૌથી આંચકાજનક વાત તો એ છે કે ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે.સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન NA કરાવવામાં આવતી હતી.