ખળભળાટ@અમદાવાદ: DGPની કડક કાર્યવાહી, જુગારધામ ઝડપાયા બાદ 3 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના મનપસંદ જીમખાનામાં જુગારધામ ઝડપાયા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે. SMCની ટીમે દરોડો પાડી જીમખાનામાં ચાલતા કથિત જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે હવે ગુજરાત પોલીસના DGP દ્વારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મનપસંદ જીમખાનામાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જીમખાનામાંથી જુગારધામ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા.
આ સમગ્ર મામલે DGP સ્તરે ગંભીર નોંધ લેવામાં આવી છે. કાર્યવાહીરૂપે દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી.વી. ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત દરિયાપુર પોલીસ ચોકીના PSI અને સર્વેલન્સ PSI સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.મનપસંદ જીમખાનામાં લાંબા સમયથી જુગાર ચાલતો હતો કે કેમ અને સ્થાનિક પોલીસને તેની જાણ હતી કે નહીં, તે મુદ્દે પણ તપાસનો દોર આગળ વધી શકે છે. SMCના દરોડા બાદ પોલીસ તંત્રની કામગીરી અંગે ઉઠેલા પ્રશ્નોને પગલે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

