ખળભળાટ@ડાંગ: રેગ્યુલર આચાર્ય હાજર છતાં દોઢ વર્ષ શિક્ષકોએ સત્તા ભોગવી, અધિકારીનો ખુલાસો

 
Dang
અગાઉના ડીપીઈઓએ પણ પત્ર લખી સુચના આપી હતી છતાં ઇન્ચાર્જ હોદ્દો છોડતાં નહોતા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ડાંગ જીલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં અગાઉ ક્યારેય ના સાંભળ્યું હોય કે ના વાંચ્યું હોય તેવો ખુલાસો થયો છે. એચટાટ વાળી અનેક પ્રાથમિક શાળામાં રેગ્યુલર આચાર્ય આવી ગયા અને હાજર થઈ ગયા છતાં રેગ્યુલર શિક્ષકોએ ઇન્ચાર્જ આચાર્યનો હોદ્દો છોડ્યો નહોતો. આટલુ જ નહિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વારંવાર સુચના આપી છતાં રેગ્યુલર આચાર્યને સત્તા સોંપી નહોતી. આખરે હમણાં થયેલી સામટી કાર્યવાહીમાં એકસાથે 8 ઇન્ચાર્જને હટાવતાં રેગ્યુલર આચાર્યને પદભાર સંભાળવા મળ્યો છે. આ સમગ્ર પ્રકરણનો ખુલાસો ખુદ શિક્ષણાધિકારીએ કરતાં ખળભળાટ મચી ગયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ડાંગ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરૂદ્ધ ટકાવારીના સનસનીખેજ આક્ષેપ વચ્ચે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કાળુભાઇ નામના કોઈ અરજદારે ખોટાં આક્ષેપો કર્યા હોવાનું કહી ડીપીઇઓ જીગ્નેશ ત્રિવેદીએ જણાવ્યું કે, કેટલીક કાર્યવાહીને કારણે આવા આક્ષેપો બહાર આવી રહ્યા છે. હવે આ કાર્યવાહી વિશે પૂછતાં જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી ડાંગ જિલ્લાની કુલ 8 પ્રાથમિક શાળામાં રેગ્યુલર એચટાટ આચાર્ય હાજર છતાં શાળાનાં શિક્ષક ઇન્ચાર્જ આચાર્યનો હોદ્દો સંભાળી રહ્યા હતા. આ તમામ ઇન્ચાર્જને આચાર્યનો હોદ્દો મૂકી રેગ્યુલર આચાર્યને પદભાર આપવા જણાવવા છતાં દોઢ વર્ષથી સત્તા ઉપર હતા. આ ડીપીઈઓએ એવો પણ ખુલાસો કર્યો કે, અગાઉના ડીપીઈઓએ પણ પત્ર લખી સુચના આપી હતી છતાં ઇન્ચાર્જ હોદ્દો છોડતાં નહોતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ 8 શાળામાં કેમ અને કેવી રીતે શિક્ષક વર્ગના સતત દોઢ વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકે રહ્યા? કેમ રેગ્યુલર આચાર્યને પદભાર ના સોંપ્યો અથવા સત્તા કેમ પચાવી રાખી ? આ શાળામાં ઇન્ચાર્જ વાળાની હકુમત હતી કે પછી કોઈના ઈશારાથી નાણાંકીય સેટિંગ્સ હતું? સવાલ આટલા નથી , શું રેગ્યુલર આચાર્ય દોઢ વર્ષ ચૂપ રહ્યા હશે કે પછી તેમનો અવાજ દોઢ વર્ષ સુધી દબાઇ રહ્યો ? હવે આ સમય દરમ્યાન જે તે શાળામાં કોઈ વિષય બાબતે જવાબદારી નક્કી થાય તો ઇન્ચાર્જ શું જવાબ આપશે અથવા રેગ્યુલર આચાર્યની કેવી ભૂમિકા રહે ? આ તમામ સવાલો વચ્ચે કાર્યવાહી અધૂરી હોવાનું પણ માનવામાં આવે છે. કેમ કે રેગ્યુલર આચાર્યને પદભાર અપાવ્યો પરંતુ દોઢ વર્ષ ઇન્ચાર્જની સત્તા કેમ રહી તે મામલે જવાબદારી નક્કી કરી કાર્યવાહી ક્યારે તે પણ મોટો સવાલ છે.