ખળભળાટ@નર્મદા: ટેન્ડર વગર 1.42 કરોડની ખરીદ પ્રક્રિયા વિરૂદ્ધ ગંભીર રજૂઆત, ચોંકાવનારી ફરિયાદ અરજી થઈ

 
નર્મદા
મહેશ વસાવાનો અનેકવાર સંપર્ક કરતાં જણાવ્યું કે, અરજી આવી છે પરંતુ ટેન્ડર તો થયેલું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

બહુલ આદીવાસી જિલ્લામાં રાજ્ય કેન્દ્ર સરકાર કરોડોની ગ્રાન્ટ વિકાસ માટે અને જે તે કામ માટે ફાળવે છે પરંતુ નર્મદા જિલ્લામાં કરોડોની ગ્રાન્ટમાં વહીવટ ઉપર વહીવટ થાય છે. જિલ્લા આયોજનની વિકાસશીલની ગ્રાન્ટ આદીજાતી વિકાસ કચેરીને ફાળવી નિયમોનુસારની ટેન્ડર પ્રક્રિયા વગર બારોબાર ખરીદી કર્યાના ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ અરજી થઈ છે. અરજદારે મદદનીશ કમિશ્નર, આદીજાતી વિકાસ, નર્મદા સહિત છેક મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે કે, ગ્રાન્ટને જે તે હેતુને બદલે અન્ય કચેરીને ફાળવી, ટેન્ડર પ્રક્રિયા ખોટી કરી, જે વસ્તુઓની ખરીદી કરી તેની પૂર્વ આયોજિત ખરાઇ કે જરૂરિયાત સિધ્ધ ના કરી તે સહિતના મુદ્દા ટાંકી ચોંકાવનારી અરજી કરી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

નર્મદા અને ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીની તાકાતમાં વધારો થઇ રહ્યો છે, તો આ પાછળના અનેક કારણો પૈકી આદીવાસી વર્ગ માટેની કેન્દ્ર રાજ્યની કરોડોની ગ્રાન્ટમાં થતો વહીવટ પણ જવાબદાર હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી નર્મદા જિલ્લામાં અનેક કચેરીઓ ગ્રાન્ટના ખર્ચ બાદ તપાસનો સામનો કરી રહી છે. ત્યારે જિલ્લા આયોજન અને આદીજાતી વિકાસની કચેરી વચ્ચે થયેલ પત્રવ્યવહાર અને ત્યારપછીની ખરીદીએ બૂમરાણ મચાવી છે. નાણાંકીય વર્ષ 2022-23 દરમ્યાન નર્મદા જિલ્લા આયોજનની કચેરીએ વિકાસશીલ તાલુકા હેઠળ ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં આશ્રમશાળા, આદર્શ નિવાસી શાળા અને અન્ય સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે સ્ટેન્ડિંગ સેટ અને બંકબેડની ખરીદી કરી હોવાનું અને આ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનું અરજદારે અરજી કરી તંત્રને તપાસ માટે કહ્યું છે. નવસારીના રાજેશ પટેલ નામના અરજદારે મદદનીશ કમિશ્નર, આદીજાતી વિકાસ, નર્મદાને ગત 13-5-2024 ના રોજ પત્ર લખી આ 1.42 કરોડની ખરીદીમાં મોટાપ્રમાણમાં સરકારશ્રી સાથે છેતરપિંડી, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ઉચાપત થયાની ફરિયાદ કરી છે. જેમાં રજૂ કરેલા કારણો પણ એટલા હદે ચોંકાવનારા છે કે, જો એકપણ કારણ સાચું પડે તો સીધી પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતા છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજદારે આક્ષેપ કર્યો છે કે, ટેન્ડર નામ માત્રનું બનાવી માત્ર વંચાણે લઈ નિયમો વિરુદ્ધ ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર ખરીદી કરવામાં આવી છે. વિકાસશીલની ગ્રાન્ટ માંથી આવી ખરીદી શક્ય ના હોવા છતાં ખરીદી કરી, ખરીદી કરતાં પૂર્વે શાળાના આચાર્ય પાસેથી ખરાઇ કરાવી પ્રમાણપત્ર અને માંગણીપત્ર મેળવ્યું નથી, ગ્રાન્ટનો હેતું જ ઉડાવી દીધો, ઈરાદાપૂર્વક ચોક્કસ ક્રિષ્ના એન્ટ્રરપ્રાઇઝ, બારડોલી પાસેથી ખરીદી કરી અને તેમાં પણ અસલી ખરીદી થઈ નથી, જૂના બેન્ડિગ સેટ અને બંકબેડ બતાવી ખરીદી પૂર્ણ બતાવી છે. જો આ સમગ્ર મામલે ધોરણસરની તટસ્થ અને પારદર્શક તપાસ થાય તો આદીજાતી વિકાસ કચેરીના આ બંકબેડ ખરીદી સિવાય પણ અનેક ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર મળી આવે તેમ છે. આથી આ બાબતે ઇન્ચાર્જ મદદનીશ કમિશ્નર વડવીને પૂછતાં જણાવ્યું કે, હા આ મેટર આવી છે પરંતુ મને પૂરતો ખ્યાલ નથી, જ્યારે ઓફિસ જવુ ત્યારે જોઈ લઈશ. આ તરફ એટીડીઓ મહેશ વસાવાનો અનેકવાર સંપર્ક કરતાં જણાવ્યું કે, અરજી આવી છે પરંતુ ટેન્ડર તો થયેલું છે.

કેમ મહેશ વસાવા ટેન્ડર નંબર આપતાં નથી?


નર્મદા સ્થિત મદદનીશ કમિશ્નર, આદીજાતી વિકાસની કચેરીના કર્મચારી મહેશ વસાવાનો અનેકવાર અને વારંવાર સંપર્ક કરતાં માત્ર અરજી હોવાનું સ્વિકારી હતું જ્યારે ટેન્ડર મામલે કહ્યું કે, ટેન્ડર થયાનો દાવો કર્યો પરંતુ ટેન્ડર નંબર આપતાં નથી. જો મહેશ વસાવા આ 1.42 કરોડની ખરીદીમાં પારદર્શક અને તટસ્થ હોવાનો દાવો કરતાં હોય તો કેમ સદર ખરીદીનુ ટેન્ડર નંબર આપતાં નથી તે સૌથી મોટો અને ગંભીર સવાલ છે.