ખળભળાટ@પાટણ: ભાજપની સૌથી મોટી કાર્યવાહી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા 26 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

 
ભાજપ
આ પગલું અન્ય કાર્યકરો માટે પણ એક ચેતવણી સમાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણ જિલ્લામાં ભાજપે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના પગલાં લેતા 26 જેટલા કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ નિર્ણયને કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.આ તમામ કાર્યકરો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પક્ષના અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ કામ કરવાનો અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો ગંભીર આક્ષેપ છે.

ભાજપ પ્રદેશ મોવડીમંડળ અને જિલ્લા સંગઠન દ્વારા તપાસ બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ હંમેશા શિસ્તબદ્ધ પક્ષ હોવાનો દાવો કરે છે. જ્યારે પણ કોઈ કાર્યકર પક્ષની લાઇનથી અલગ જઈને કાર્ય કરે છે. ત્યારે પક્ષ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવે છે. આ પગલું અન્ય કાર્યકરો માટે પણ એક ચેતવણી સમાન માનવામાં આવી રહ્યું છે. પ્રદેશ ભાજપના આદેશથી પાટણ જીલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે.

પાટણ જીલ્લા પંચાયતમાંથી 2, ચાણસ્મા તાલુકા પંચાયતમાંથી 1, શંખેશ્વર તાલુકા માંથી 1, રાધનપુર તાલુકામાંથી 1, સાંતલપુર તાલુકામાંથી 4, સિદ્ધપુર તાલુકા પંચાયતમાંથી 2, પાટણ નગરપાલિકામાંથી 7 અને સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાંથી 8 કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે.