ખળભળાટ@તાપી: ટીડીઓ પોતાની જ ચેમ્બરમાં રંગેહાથ ઝબ્બે, બીલમાં સહી કરવા રૂપિયા લેતાં એસીબી ત્રાટકી

 
Tapi
ડોલવણ તાલુકા પંચાયત કચેરીમાં અચાનક એસીબીની ટીમ ત્રાટકી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

તાપી જિલ્લામાં રાજકીય આગેવાનોનો દબદબો છતાં ભ્રષ્ટાચારીઓ બેફામ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટીડીઓ એટલે ક્લાસ ટુ કહેવાય છતાં લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા છે. વિકાસના કામ સામે બીલ પાસ કરવા સહી કરવા ટીડીઓએ રૂપિયાની માંગણી કરી હતી. ખબર પણ નહિ હોય અને પોતાની જ ચેમ્બરમાં લાંચ લેતાં ટીડીઓ ડોડીયા રંગેહાથ ઝડપાઈ જતાં સમગ્ર પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે. માત્ર 12,000ની લાંચ લેતાં ખુદ ટીડીઓ ઝડપાઇ ગયા હોવાનું વાયુવેગે પ્રસરી જતાં ક્લાસ ટુ સહિત ક્લાસ વન કક્ષાના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. કેમ કે લાંચની ઘટનાને પગલે જિલ્લા પંચાયતના અધિકારીઓ લઈ તાપી વહીવટીતંત્રમાં પણ ભ્રષ્ટાચારની ચકચાર મચી છે. જાણીએ સમગ્ર અહેવાલ.


તાપી જિલ્લાની‌ ડોલવણ તાલુકા પંચાયત કચેરીમાં અચાનક એસીબીની ટીમ ત્રાટકી હતી. સરકારની કચેરીમાં ખુદ સરકારના પોલીસ અધિકારીઓ ભ્રષ્ટાચારનો ભાંડો ફોડવા આવ્યા અને સફળ પણ થયા છે. વાત જાણે એમ છે કે, 
ડોલવણ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડિયા ફરજ બજાવી રહ્યા છે. આ ટીડીઓ ડોડીયા સમક્ષ અનેક ફાઇલો સહી માટે આવતી હોય છે ત્યારે “પ્રધાનમંત્રી આદી આદર્શ યોજના-૨૦૨૧-૨૨” અંતર્ગત જાહેર શૌચાલય તેમજ  “આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો-૨૦૨૩-૨૪” યોજના હેઠળ પાણીના કામ કામોની ફાઇલો આવી હતી. આ કામોના નાણાં રૂ.૬,૦૦,૦૦૦/-નુ બિલ પસાર થયેલ પરંતુ આ બિલમાં સહિ કરવાના અવેજ પેટે ડોલવણ ટીડીઓ ડોડીયાએ રૂ.૧૨,૦૦૦/- લાંચ માંગી હતી. જોકે આ લાંચની રકમ ઠેકેદાર/જાગૃત નાગરિક આપવા માંગતા ના હોવાથી તાપી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આવેલ ફરિયાદ આધારે તાપી એસીબીની ટીમે સુરત મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ લાંચના છટકાનુ આયોજન કર્યું હતુ. આ દરમ્યાન ઠેકેદારે ડોલવણ ટીડીઓને મળતા લાંચ બાબતની હેતુલક્ષી વાતચીત કરતાં અચાનક તાપી એસીબીની ટીમ ત્રાટકી હતી. બરોબર આ સમયે ડોલવણ ટીડીઓ ડોડીયા લાંચની રકમ સ્વીકારતાં પોતાની ચેમ્બરમાં જ પકડાઇ જતાં પગ તળેથી જમીન સરકી જાય તેવી સ્થિતિ બની હતી. એસીબીએ ડોલવણ ટીડીઓને કચેરીમાંથી ભ્રષ્ટાચાર કરતાં/લાંચ લેતાં પકડી લેતાં ડોલવણ સાથે તમામ તાલુકા પંચાયતોમાં અને છેક તાપી જિલ્લા પંચાયત આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.