ઉ.ગુજરાત: નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાનું એક કારણ મંદી !

અટલ સમાચાર, ગિરીશ જોશી ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત નર્મદા કેનાલ તૂટી રહી છે. હલકી ગુણવત્તાવાળા કામોને લઇ સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ રહ્યા છે. કોન્ટ્રાક્ટરની જવાબદારી કે નર્મદા સત્તાધીશોની તે અંગે અલગ અલગ ચર્ચા થઇ રહી છે. જોકે નર્મદા કેનાલમાં ગાબડાં પડવા પાછળનું એક કારણ બજારની મંદી માનવામાં આવી રહ્યું છે. સરકારના બાંધકામ
 

અટલ સમાચાર, ગિરીશ જોશી

ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત નર્મદા કેનાલ તૂટી રહી છે. હલકી ગુણવત્તાવાળા કામોને લઇ સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ રહ્યા છે. કોન્ટ્રાક્ટરની જવાબદારી કે નર્મદા સત્તાધીશોની તે અંગે અલગ અલગ ચર્ચા થઇ રહી છે. જોકે નર્મદા કેનાલમાં ગાબડાં પડવા પાછળનું એક કારણ બજારની મંદી માનવામાં આવી રહ્યું છે.

સરકારના બાંધકામ સંલગ્ન કામોમાં સ્પર્ધા છેલ્લા કેટલાક સમયથી અત્યંત વધી ગઈ છે. નાના માર્ગો અને તે સાથે નર્મદા સહિતના પાણી પુરવઠાના કામો રાખવા ગળાકાપ સ્પર્ધા છે. ટેન્ડરમાં ઉલ્લેખ કરેલી રકમથી સરેરાશ 40 થી 50 ટકા નીચા ભાવો ઓફર થઈ રહ્યા છે.

બાંધકામ સંલગ્ન વિભાગો, એકમો અને એજન્સીઓના કર્મચારી-અધિકારી વર્ગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બજારમાં મંદીના માહોલ વચ્ચે સરકારના કામ રાખવા પડાપડી થતી હોય તેવો માહોલ છે. આવા સંજોગોમાં કોન્ટ્રાક્ટર એકદમ નીચા ભાવ ઓફર કરીને પણ કામ મેળવવા તલપાપડ છે. ગોળ નાખો તેવું ગળ્યું થાય તે કહેવતની જેમ કામમાં જે રકમ મળવાની હોય તે મુજબની ગુણવત્તા સાથે બાંધકામ થાય છે. આ સાથે કેટલાક સંજોગોમાં કોન્ટ્રાક્ટર વર્ગ લાગતાવળગતાને સાચવી પણ રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓ એવા છે કે જ્યાં બજારની મંદી અને ભ્રષ્ટાચારના સમન્વયથી કામની ગુણવત્તા જાળવવા સામે આંખ આડા કાન થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાના (બેચરાજી-જોટાણા), પાટણ જિલ્લાના (રાધનપુર-સાંતલપુર-સમી), બનાસકાંઠા જિલ્લાના (થરાદ-દાંતા- સુઈગામ- અમીરગઢ), સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અર્ધ વિકસિત વિસ્તારોમાં પાછલા સમયમાં થયેલા કામોને લઈ સવાલો થઈ રહ્યા છે.

હકીકતે કામ કરાવનાર અધિકારી અને કામ રાખનાર કોન્ટ્રાકટર વચ્ચેના સંબંધો કામની ગુણવત્તાને અસર કરે છે. નીચા ભાવથી કામ રાખ્યા બાદ બંને તરફી આવકને મહત્વ આપવામાં આવતા ગુણવત્તા સાથે બાંધછોડ થઈ રહી છે.