વનખાતુ@પાટણ: ટેન્ડરોના વર્ક ઓર્ડર, પેમેન્ટની વિગતો દબાવવા ધમપછાડા, જાહેર થવાથી કોને ડર?

 
પાટણ
માહિતી સત્તાવાર કાગળ ઉપર બહાર જાય તો ટેન્ડરના આકાઓના નામનો ઘટસ્ફોટ થાય તેમ છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


પાટણ વનવિભાગના અત્યાર સુધીના અનેક વૈવિધ્યસભર સમાચારો જોયા સમજ્યા હશે. એકમાત્ર વનવિભાગ નહિ પરંતુ તમામ વિભાગો પોતાના કામો બાબતે જોરશોરથી પ્રચાર પ્રસાર કરે છે. બાંધકામ અને પાણી પુરવઠા વાળા તો જાહેરમાં મોટા બોર્ડ લગાવી કયા કોન્ટ્રાક્ટરે કામ કર્યું અને ખર્ચ કેટલો થયો તેની વિગતો પ્રદર્શિત કરે છે. જોકે પાટણ વનવિભાગના અધિકારીઓ નાણાંકીય વર્ષ દરમ્યાનના ટેન્ડર, વર્ક ઓર્ડર, કામગીરી, કોન્ટ્રાક્ટર, ખર્ચ સહિતની વિગતો કોઈપણ સંજોગોમાં આપી શકતાં નથી. હવે જો ખાતાકીય અથવા વિકાસના કામો નિયમાનુસાર કર્યા છે તો કેમ છૂપાવવા પડે ? આરટીઆઇ એક્ટ હેઠળ પણ વિગતો નહિ આપવા ધમપછાડા થઈ રહ્યા છે. એટલા સુધી કે, કોઈ હુકમ અને કલમનો આધાર લઈ ટેન્ડર, કામો અને કોન્ટ્રાક્ટર, ચૂકવણાની વિગતો દબાવવા પ્રયાસ થાય છે. તદ્દન આવી વિગતો તમે અન્ય જિલ્લાઓમાંથી મેળવી શકો પરંતુ પાટણ વનવિભાગ આપશે નહી. હવે જાણીએ કોઈને ડર છે ? વિગતો જાહેર થાય તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે ? જાણીએ પૂરી હકીકત

પાટણ વનવિભાગ અને તાબા હેઠળની રેન્જ કચેરીમાં વર્ષે દહાડે ખાતાકીય અને વિકાસના વિવિધ કામો થતા રહે છે. હવે વનવિભાગના અને બાંધકામ સંબંધિત કામો માટે ટેન્ડર થાય એ સ્વાભાવિક છે પરંતુ આ કામો કોણ કરી રહ્યું છે તે તમે જાણી શકશો નહી. માર્ગ મકાન, જળસંપત્તિ, ગૃહ, શિક્ષણ, ગ્રામ વિકાસ, પંચાયત, આરોગ્ય સહિતના તમામ વિભાગો ખાતાકીય અને વિકાસના કામો કરે તેની માહિતી જાહેરમાં પ્રસિદ્ધ પણ કરે છે. હવે અહીં પાટણ વનવિભાગના અધિકારીઓ જે કોઈ વિકાસના કામો કરે છે તેના કોન્ટ્રાક્ટરો, ચૂકવણું, કામોની યાદી, વર્ક ઓર્ડર સહિતની વિગતો આપવા ઈચ્છતા નથી. મનઘડંત નિયમો અને સ્વસમજણની જોગવાઈ બતાવી વિકાસની જાહેર કરવા લાયક માહિતી દબાવી રહ્યા છે. હવે તદ્દન આવી જ વિકાસની માહિતી તમને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી મળી શકે પરંતુ પાટણ વનવિભાગ આરટીઆઇથી પણ નહિ આપે. હવે આ માહિતી જાહેર કરવાથી સરકારને નુકસાન નથી, રાષ્ટ્રહિત જોખમાતું નથી, થર્ડ પાર્ટીનો કોઈ સવાલ નથી છતાં વિકાસના કામોના કાગળો નહિ આપવા ધમપછાડા કરે છે. વાંચો નીચેના ફકરામાં કેમ 

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિકાસના કામો અથવા ખાતાકીય કામો માટે આવતી ગ્રાન્ટ માટે થયેલ ટેન્ડર અને કોન્ટ્રાક્ટર પાછળ ખુદ અંદરનાં માણસો છે. કોઈ કરારીના નામે, આઉટસોર્સિંગના નામે અથવા તેના મળતિયાના નામે, ક્યાંક જોગવાઈ મુજબ ટેન્ડર પ્રક્રિયા પણ શંકાસ્પદ હોય તેવા કારણોસર વર્ક ઓર્ડર અને ચૂકવણાની વિગતો દબાવવા ખોટાં બહાનાં અપાઇ રહ્યા છે. એક નહિ અનેક અરજદારોએ આરટીઆઇ કરી વર્ક ઓર્ડરની નકલો માંગી છતાં પાટણ વનવિભાગના અધિકારીઓ વિગતો આપતાં કોણ જાણે કેમ ઈચ્છુક નથી. જો માહિતી સત્તાવાર કાગળ ઉપર બહાર જાય તો ટેન્ડરના આકાઓના નામનો ઘટસ્ફોટ થાય તેમ છે. જો ટેન્ડર પાર્ટી, વર્ક ઓર્ડર અને થયેલ ચૂકવણું જેવી એકદમ સામાન્ય માહિતી પણ જાહેર થાય તો સૌથી મોટો ઘટસ્ફોટ થાય અને ભલભલાને રેલો આવી શકે તેમ હોઈ વિકાસના કામોની માહિતી દબાવવા દોડધામ છે.