વનખાતુ@વલસાડ: માનસિક ત્રાસની ફરિયાદ થતાં બદલી દીધા રોજમદારો, દૂરની રેન્જમાંથી સેવામાં ઉતાર્યા

 
Valsad
રોજમદારોની ફરિયાદમાં જે એક વ્યક્તિનુ નામ છે તે બાબતે પણ સવાલો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


વલસાડ ઉત્તર વનવિભાગના મહિલા ડીસીએફ નિશા રાજ વિરૂદ્ધ તાબા હેઠળના રોજમદારોએ માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ કરેલી છે. ખૂબ ચોંકાવનારા આક્ષેપો હોવાથી અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી હોવાથી તાત્કાલિક અસરથી તપાસ તો શરૂ થઈ પરંતુ ગાજ્યા મેઘ હજુ સુધી વરસ્યા નથી. સવા વર્ષથી તપાસ ચાલુ છે ત્યારે પરિણામ આવે તે પહેલાં મોટો બદલાવ કરી દીધો હતો. ફરિયાદને પગલે ડીસીએફના બંગલે આક્ષેપ કરનાર રોજમદારોને દૂર કરી તાત્કાલિક અસરથી છેક દૂરની રેન્જમાંથી રોજમદારો બોલાવી લીધા છે. આટલુ જ નહિ, આ સેવા નિયમોનુસાર છે કે કેમ તેના બાબતે પણ અનેક સવાલો છે ત્યારે રોજમદારોની ફરિયાદમાં જે એક વ્યક્તિનુ નામ છે તે બાબતે પણ સવાલો છે. જાણીએ સમગ્ર અહેવાલ.


વલસાડ ઉત્તર વનવિભાગમાં ફરજ પરના મહિલા ડીસીએફ નિશા રાજ વિરૂદ્ધ નવેમ્બર ડીસેમ્બર 2022 દરમ્યાન ત્રાસની ફરિયાદ થયેલી છે. ડીસીએફના સત્તાવાર બંગલે સેવા આપતાં અને બીજા કેટલાક મળીને 10 જેટલા રોજમદારોએ માનસિક ત્રાસ અપાતો હોવાની મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરી હતી. જેનો તપાસ રીપોર્ટ દક્ષિણ વલસાડ વનવિભાગના ડીસીએફ પુવારે સરકારમાં રજૂ કર્યો પરંતુ અધૂરી તપાસને પગલે બાકી નિવેદનો પૂર્ણ કરવા પડશે. જોકે આ ફરીયાદ અને તપાસની વચ્ચે ઉત્તર વલસાડ ડીસીએફ દ્રારા તાત્કાલિક અસરથી ફરીયાદ વાળા રોજમદારોને બંગલેથી છૂટાં કરી છેક દૂરની રેન્જમાંથી બીજા રોજમદારો સેવામાં લીધા છે. જ્યારે આ તરફ તપાસ બાકી મામલે સીસીએફ વલસાડને પૂછતાં કામમાં હોઈ કાલે વિગતો આપવા કહ્યું હતુ. વાંચો નીચેના ફકરામાં ચોંકાવનારૂ.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર વલસાડ ડીસીએફના સત્તાવાર બંગલે માનસિક ત્રાસ ના હતો તો પછી ફરીયાદ કેમ થઈ? જો ત્રાસ ના હતો તો રોજમદારોને છૂટાં કરી બીજા કેમ લાવ્યા? રોજમદારોનો આક્ષેપ છે કે, અમન તરફથી પણ ત્રાસ થતો હતો તો પછી આ અમન કોણ છે ? કેમ તપાસ અધિકારી કમ દક્ષિણ વલસાડ ડીસીએફ દ્રારા ધોરણસરની તપાસમાં કચાશ રહી ? શું આક્ષેપ કરનાર અને જેમના વિરૂદ્ધ આક્ષેપ છે તેવા તમામના ભય વગર નિવેદનો લીધા છે ? માનસિક ત્રાસની તપાસ માનવીય હિતમાં શું સવા વર્ષ બાદ પણ અધૂરી રહી શકે ? શું માનસિક ત્રાસ જેવો ગંભીર આક્ષેપ સાવ ખોટો રોજમદારો કરી શકે ? આક્ષેપ સાચો સાબિત થાય તો મોટી કાર્યવાહીની જોગવાઈ હોવાથી વિલંબથી તપાસ ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.