અતિગંભીર@મોડાસા: 2 ઈજનેરોએ ઘરની પેઢીની જેમ બેફામ ખર્ચ પાડ્યો? માર્ગ મકાન સચિવ જરા અહિં નજર કરશો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
મોડાસા માર્ગ અને મકાન વિભાગની સબ ડિવિઝન કચેરીના સત્તાધિશ એવા ડેપ્યુટી ઈજનેર અને મદદનીશ ઇજનેર વિરુદ્ધ રજૂઆત કંઈ સામાન્ય નથી. થોકબંધ મુદ્દાઓ આધારે થયેલી રજૂઆત આખરે તટસ્થ તપાસ હેઠળ આવી છે પરંતુ અત્યંત અગત્યની બાબતો છૂટી ના જાય તેને લઈ દોડધામ મચી છે. આ તમામ બાબતો વચ્ચે સૌથી ચકચાર જે મુદ્દા ઉપર છે તે બેફામ, આડેધડ અને ઘરની પેઢીની જેમ બીલો મૂકી નાણાં ઉપાડવા બાબતે છે. આથી હાલના કાર્યપાલક ઇજનેર પણ સરકારમાંથી ખર્ચ કરેલ રકમ અને સામે જે કામમાં બીલ મૂકેલ તેનું ક્રોસ ચેકીંગ કરી રહ્યા છે. આ બાબતે હાલના કાર્યપાલક ઇજનેર ચૌધરી પ્રામાણિક હોવાથી કોઈ રાજકીય દબાણ ના આવે તે માટે પણ વિભાગે તૈયારીઓ કરી છે. જાણીએ સમગ્ર અહેવાલ.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી માર્ગ મકાન સ્ટેટની સબ ડિવિઝન કચેરીના મુખ્ય કર્તાહર્તા એવા નાયબ કાર્યપાલક ઈજનેર દેવાંગ પટેલ અને મદદનીશ ઈજનેર વિરલ પટેલે ફરજ દરમ્યાન ભયંકર ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદે સૌને ચોંકાવી દીધા છે. રજૂઆતના તમામ મુદ્દા ઉપર એક વાત સૌથી સમાન આવે છે કે, આડેધડ અને ઈરાદાપૂર્વક સરકારમાંથી વધુ રકમ ઉપાડવા બીલો મૂકવામાં કોઈ કસર છોડી નથી તેવો ગંભીર આક્ષેપ ઉભો થાય છે. કામની ગુણવત્તામાં લાલિયાવાડીના ઢગલાબંધ આક્ષેપ છે પરંતુ કામની સામે દોઢ ગણું ખર્ચ, ક્યાંક કામ ના થયું હોય છતાં કરોડોના બીલો, સરકારની ખરીદનિતીને નેવે મૂકી મનસ્વી એજન્સીઓને કામ આપી બીલો ઉધારવા સહિતના ગંભીર સવાલો હોવાથી તપાસ પણ કેટલા દિવસ ચાલશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જેને સરકારના એક એક રૂપિયાની ચિંતા કરવાની ફરજ છે તેવા બંને ઈજનેર વિરુદ્ધ આ આક્ષેપ આજકાલના નથી. જો આક્ષેપોમાં કંઈ દમ નથી અથવા ઉપજાવી કાઢેલ હોય તો કેમ આજસુધી બંને ઈજનેરોને ક્લિનચીટ નથી? કેમ છ છ મહિનાથી આક્ષેપો છતાં બંને ઈજનેરોને માનહાનિ નથી લાગતી? જાણકારો તો ત્યાં સુધી કહે છે કે, એકમાત્ર સરકારના હિતમાં જો વિજીલન્સ અથવા એસીબી પોલીસ માત્ર સંપર્કોની અને નાણાંકીય લેવડદેવડની તપાસમાં ઉતરી જાય તો મહા ઘટસ્ફોટ સર્જાય તેમ છે. શું આટલા હદે ભ્રષ્ટાચાર હોઈ શકે તે બાબતે બંને ઈજનેરોને પૂછતાં વ્યસ્ત હોવાનું જણાવ્યું ત્યારે કાર્યપાલક ઇજનેર ચૌધરીએ પણ બંને ઈજનેર રજા ઉપર હોવાનું જણાવતાં મામલો રસપ્રદ બનતો જાય છે. જોકે આ બંને ઈજનેર સિવાય વિવાદાસ્પદ બે નેતાના નામો પણ ચર્ચાતા હોઈ નાણાંકીય ટ્રાન્ઝેક્શન ઉપર તપાસ થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે. વધુ આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ.