વિધાનસભા@ગુજરાત: જાણો પરિણામ બાદ કયા મંત્રીઓ થઇ શકે ઘરભેગા ?

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સચિવાલયમાં અને રાજકીય વર્તુળોમાં સરકાર અને સંગઠનને લઈને વિવિધ અટકળો અને ચર્ચા થઈ રહી છે. ગાંધીનગરમાં છેલ્લાં દિવસ સુધી અમિત શાહે જાતે દોડાદોડી કરવી પડી હતી એ રંજ તેઓ ભૂલે તેવી સંભાવના ઓછી છે. ગાંધીનગરની બેઠકની સ્થિતિ જોઈ ભાજપ આકરા મૂડમાં છે પણ ચૂંટણીના પરિણામની રાહ
 
વિધાનસભા@ગુજરાત: જાણો પરિણામ બાદ કયા મંત્રીઓ થઇ શકે ઘરભેગા ?

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સચિવાલયમાં અને રાજકીય વર્તુળોમાં સરકાર અને સંગઠનને લઈને વિવિધ અટકળો અને ચર્ચા થઈ રહી છે. ગાંધીનગરમાં છેલ્લાં દિવસ સુધી અમિત શાહે જાતે દોડાદોડી કરવી પડી હતી એ રંજ તેઓ ભૂલે તેવી સંભાવના ઓછી છે. ગાંધીનગરની બેઠકની સ્થિતિ જોઈ ભાજપ આકરા મૂડમાં છે પણ ચૂંટણીના પરિણામની રાહ જોવાઈ રહી છે. ભાજપ ગુજરાતમાં વિધાનસભા કરતાં લોકસભામાં પોતાનો દબદબો જાળવવામાં સફળ રહ્યું ન હોવાનો રિપોર્ટ ગયો છે.

લોકસભાના પરિણામો બાદ ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં ફેરફારો કરવાનું મન ભાજપ હાઇકમાન્ડે બનાવી લીધું છે. આ સાથે કેટલાક મંત્રીઓના પત્તાં પણ કપાય તેવી સંભાવના છે. જે મંત્રીના વિસ્તારમાં ભાજપ હારશે એ મંત્રીનું કદ આપોઆપ ઘટાડી દેવાશે. સરકારમાં ફેરફાર થાય તો પણ હજુ 6 મહિનાનો સમય લાગશે. હાલમાં ભાજપમાંથી જ આ બાબતોને હવા અપાઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જોકે, જો અને તો ની સ્થિતિનો સ્પષ્ટ ખુલાસો રિઝલ્ટ બાદ થઈ જશે. લોકસભામાં ભાજપને બહુમતી મળવામાં સમસ્યા આવી તો ગુજરાત ભાજપમાં ફેરફાર થઇ શકે છે પણ હાલમાં આ પ્રકારની કોઈ સ્થિતિ શક્ય નથી.

આ મંત્રીઓનું કપાઈ શકે છે પત્તું

દિલીપ ઠાકોરઃ પાટણ બેઠક પરથી પાર્ટીના આગ્રહ છતાં લોકસભાની ચૂંટણી લડવા નનૈયો ભણનારા દિલીપ ઠાકોરની એક્ઝિટ લગભગ પાક્કી મનાઇ રહી છે. ઠાકોર સમાજમાં ઘટતો દબદબો કારણ બની શકી છે. દિલીપ ઠાકોરનું ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ઘટ્યું હોવાનું આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે.

વાસણ આહિરઃ કચ્છના આ નેતાનું નામ કથિત રીતે મહિલા સાથેના સંબંધોમાં ઉછળતાં ભાજપે કે સરકારે અત્યાર સુધી મૌન સાધી રાખ્યું છે. પરંતુ આગામી મંત્રીમંડળના બદલાવ દરમિયાન પડતા મુકાવાની વકી છે. કારણ કે ભાજપ બદનામીનો કોઈ ડાગ સંગઠન પર કે સરકાર પર પડવા માગતી નથી.

પરબત પટેલઃ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાથી પટેલ જીતી જ જશે તેવો વિશ્વાસ ભાજપને છે. આવાં સંજોગોમાં તેમણે મંત્રીપદ જતું કરી રાજીનામું આપવું જ રહ્યું. આ બેઠક પર શંકર ચૌધરીને સ્થાન મળે તેવી સંભાવના છે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાઃ ચૂડાસમા જ્યાંથી ચૂંટણી જીત્યા તે ધોળકા બેઠકની મતગણતરીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કોર્ટનો આદેશ ચૂડાસમાની અપેક્ષાથી વિપરિત આવે તો રાજીનામું આપવું પડે. આ સ્થિતિ વચ્ચે ભાજપ પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી કરી રહ્યું છે.

પરસોત્તમ સોલંકીઃ ભાજપ પાસે હવે કુંવરજી બાવળિયાનો મજબૂત વિકલ્પ મળી જતાં લગભગ નિષ્ક્રિય રહેતા પરસોત્તમ સોલંકીને હવે ભાજપ પડતાં મૂકશે. ભાજપ હવે કોળીના નામે કોઈ પણ બ્લેકમેઇલિંગ સહન કરવાના મૂડમાં નથી. બાવળિયાએ આ ચૂંટણીમાં કોળી સમાજના સર્વ સામાન્ય નેતા હોવાનું સાબિત કરી દીધું છે.

ભાજપ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પાણી પહેલા પાળ બાંધવા માટે ગુજરાતની નેતાગીરી માટે આકરા નિર્ણયો લઈ શકે છે. ધરખમ ફેરફાર ઉપરાંત મંત્રીમંડળમાં પણ ફેરબદલ કરાશે. કેટલાક મંત્રીઓને હાંકી કાઢવામાં આવશે તો અમુક નવા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળશે. આ જ રીતે સંગઠનમાં પણ મોટા ફેરફારો કરાશે. ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ જોવાઇ રહી છે.