લોકરક્ષકની પરિક્ષા રદ ન કરાઇ હોત તો શું થયું હોત ? જાણો

ઉમેદવારોનો આક્રોશ યોગ્ય પણ વિકાસ સહાયે પરીક્ષા રદ ન કરી હોત તો… પરિક્ષા રદનો નિર્ણય ઉમેદવારોના હિતમાં પણ એક ગફલતે વિકાસ સહાયને કોડીના કરી દીધા 9 લાખ ઉમેદવારોના હિતમાં જાહેરમાં સોરી કહેનાર આઇપીએસ વિકાસ સહાય ગાંધીનગરઃ 2 ડિસેમ્બર 2018 અને રવિવારે લોક રક્ષક કેડરની 9 હજાર જેટલી જગ્યાઓ માટે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા
 
લોકરક્ષકની પરિક્ષા રદ ન કરાઇ હોત તો શું થયું હોત ? જાણો
  1. ઉમેદવારોનો આક્રોશ યોગ્ય પણ વિકાસ સહાયે પરીક્ષા રદ ન કરી હોત તો…

પરિક્ષા રદનો નિર્ણય ઉમેદવારોના હિતમાં પણ એક ગફલતે વિકાસ સહાયને કોડીના કરી દીધા

9 લાખ ઉમેદવારોના હિતમાં જાહેરમાં સોરી કહેનાર આઇપીએસ વિકાસ સહાય

ગાંધીનગરઃ 2 ડિસેમ્બર 2018 અને રવિવારે લોક રક્ષક કેડરની 9 હજાર જેટલી જગ્યાઓ માટે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે વિવિધ સેન્ટરો પર પહોચ્યા હતા. જો કે પરીક્ષા શરૂ થાય તેના કલાકો પહેલા જ પેપર લીંક થતા ઉહાપોહ મચી ગયો હતો. રોષે ભરાયેલા ઉમેદવારોએ પર વિરોધ પ્રદર્શન કર્યા હતા જો કે એક તબક્કે તે યોગ્ય પણ છે. અને પરીક્ષા રદ કરતા રોષનો ભોગ ભરતી બોર્ડના આઇપીએસ અધિકારી વિકાસ સહાયે બનવું પડ્યુ છે. કેમ કે તેમનાથી ક્યાક કાચુ જરૂર કપાયુ છે. જે વાત મિડિયા સમક્ષ તેમણે જાહેરમાં સ્વીકારી અને સોરી પણ કહ્યુ છે. હવે આવનારા એક માસમાં ફરી લોક રક્ષકની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત પણ ગાંધીનગરથી કરી દેવાઇ છે.

જો કે હાલના તબક્કે વિકાસ સહાય અને સરકાર દ્વારા પરીક્ષા રદ કરવાના લેવાયેલા નિર્ણય પર માછલા ધોવાઇ રહ્યા છે. ઉમેદવારોનો રોષ યોગ્ય છે પણ પરીક્ષા રદનો નિર્ણય ન લેવાયો હોત તો શું થાત ?એ પણ વીચારવા જેવું છે. તો વગર મહેનતે રૂપિયા ખર્ચી અને આન્સર કી મેળવી લેનારા પોલીસ ખાતામાં ભરતી જઇ જાત અને આવા ભ્રષ્ટ્રાચારીઓ પાછા ગુજરાતની જનતાની શુ સુરક્ષા કે સેવા કરવાના હતા. જ્યારે બીજી તરફ રાત દિવસ 12 કલાકની મહેનત કરનારા ઉમેદવારો, ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના ઉમેદવારો સાથે અન્યાય થાત. તેમની રાત દિવસની મહેનત પર એકી ઝાટકે પાણી ફરી વળ્યુ હોત.

આ ભ્રષ્ટ્રાચારી સીસ્ટમને ખતમ કરવા માટે વિકાસ સહાય જેવા ઇમાનદાર અને ઉમેદવારોના પક્ષમાં ત્વરીત નિર્ણય લેનાર અધીકારીઓની જ ગુજરાતને જરૂર છે. ઉમેદવારોનો રોષ યથાવત છે પણ આ લડત વિકાસ સહાય ઉમેદવારો માટે જ લડી રહ્યા છે એટલે તેમનો વિરોધ કેટલો યોગ્ય તે પણ વિચારવું જોઇએ. હાલના તબક્કે ચુંટણીના માહોલમાં વિરોધ પક્ષે પણ મુદ્દો બનાવી દીધો છે. પણ ગુજરાતના નવ યુવાનોએ પણ વિચારવું જોઇએ કે ગુજરાતના ભવિષ્ય માટે સિસ્ટમમાં ઇમાનદાર અધીકારીઓની જરૂર છે. નહી તો જેની સરકાર તેના જ મળતીયાઓ ને ઘી કેળા જઇ જશે.

ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ ઉછીની રકમ લઇને તો કેટલાક ઉમેદવારો ખેતરોના કામ પડતા મુકી અને બેરોજગારીના ખપ્પરમાંથી મુક્ત થવા માટે પરીક્ષા આપવા ઘરેથી નીકળ્યા… માતા-પિતાના ચહેરા પણ દિકરા-દીકરીના ઉજ્જવળ ભવિષ્યની આશાએ ખીલી ઉઠ્યા હતા. રાત્રે બસ સ્ટેશન કે કડકડતી ઠંડીમાં ખુલ્લામાં સુઇ રહેવું પડ્યુ તે પણ તેમને મંજૂર હતું. રવિવાર સવારનો સુરજ ખુશીઓ લઇ આવવાની તેમની આશા હજુ જીવંત હતી. સવાર પડતા જ ઉજ્જવળ ભવિષ્યના સપના લઇ પરીક્ષા સેન્ટરોએ પહોચ્યા… પણ પેપર રદ થયાનું જાણવા મળતા જ ઉમેદવારોમાં રોષ ભભૂક્યો હતો. ગુજરાત પોલીસમાં નોકરી મેળવી અને ગુજરાતની સેવા અને કાયદો વ્યવસ્થાની સ્થીતી જાળવવાના તેમના સપના પર હાલ પુરતુ પાણી ફરી વળ્યુ છે.

ભાજપ પક્ષ સાથે સંકળાયેલા જ બે કાર્યકર્તા આ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા હોવા છતાં પણ તેમની સામે પગલા ભરી પરીક્ષા રદ કરી અને મહેનતુ વિદ્યાર્થીઓ માટે લડત લડનાર વિકાસ સહાય જેવા અધિકારીઓને આપણે નવ યુવાનો જ સપોર્ટ નહી કરીએ તો ક્યારેય પણ આપણે ન્યાય નહી મળે. આપણે માત્ર પરીક્ષાઓ જ આપતા રહીશું પણ ક્યારેય નોકરી નહી મળે. બાકી કોઇ પક્ષ કે સરકારની હાજીમાં હાજી કરનારા અધિકારીઓ હશે તો આમ જનતાને ક્યારેય ન્યાય નહી મળે.

ઉમેદવારોની રાત દિવસની મહેનત પર પાણી ના ફરી વળે તે માટે સીસ્ટમમાં ઇમાનદાર અધિકારીઓ તો છે પણ જો તેમને જ જનતાનો સપોર્ટ નહી મળે તો ફરી ક્યારેય પણ આવા અધિકારીઓ આગળ નહી આવે… લોક રક્ષક કેડરની પરીક્ષા રદ થયા બાદ મહેનતુ ઉમેદવારોને તક મળી છે એ ચોક્કસ છે કે આવનારા સમયમાં તેમની મહેનત એળે નહી જાય.

આ પહેલા પણ તલાટી, ટાટની પરીક્ષાના પેપર લીક થયા હતા અનેક રજૂઆતો છતાં પણ આજ સુધી કોઇ પગલા લેવાયા નથી. લોક રક્ષકની પરીક્ષામાં પણ જો આવું જ થયુ હોય અને પરીક્ષા લેવાઇ ગઇ હોત તો રાત દિવસ મહેનત કરતા ઉમેદવારોની મહેનત એળે ગઇ હોત… વિકાસ સહાય જેવા ઇમાનદાર અધિકારીને લીધે જ ઉમેદવારોની આશા હજુ જીવંત છે.

ખેર હવે આગળ જે કઇ થાય તે જોવું રહ્યુ પણ હાલના તબક્કે કોંગ્રેસને એક મુદ્દો જરૂર મળી ગયો છે અને ભાજપને તેમના જ ભ્રષ્ટ્રાચારી કાર્યકર્તાઓ નીચુ દેખાડી રહ્યા છે.

(લોક રક્ષકના મહેનતુ ઉમેદવારની જીવંત આશા…)