વિસનગરમાં બ્રહ્મસમાજ દ્વારા માતૃવંદના કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ વિસનગર તાલુકા દ્વારા વિસનગર એ.પી.એમ.સી ભોજનાલાય ખાતે બ્રહ્મ મહિલા સંમેલન, સન્માન સમારોહ અને વડીલ માતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ દરેક સમાજને સાથે લઇને ચાલતો સમાજ છે. આ સમાજમાં જાગૃતિ હોય છે. જ્ઞાન થકી ઉર્જા આપવાનું કામ બ્રહ્મ સમાજ દ્વારા થાય છે.
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહિલા સમાજ દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરેલ છે જે અભિનંદનને પાત્ર છે. સમગ્ર વિશ્વના કલ્યાણનો વિચાર કરતો આ સમાજ વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે આગળ વધી રહ્યો છે. ઉપસ્થિત મહિલાઓને પોતાના બાળકોને સમજણ,શિક્ષણ,જ્ઞાન અને સંસ્કાર આપવાની હિમાયત કરી હતી
ઉપસ્થિત ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ આદી અનાદી કાળથી દુનિયાને દિશા આપી રહ્યો છે. જ્ઞાનનો પ્રચાર-પ્રસાર ભુદેવો થકી થતો આવ્યો છે. શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય બ્રહ્મ સમાજ દ્વારા થઇ રહ્યું છે. આરોગ્ય વિતરણ કાર્યક્રમમાં 90 જેટલા ગ્લુકોમીટર ડાયાબીટીસ બાળકોને વિનામુલ્યે આપવા માટે અધ્યક્ષે બ્રહ્મસમાજની ડોક્ટર મહિલાઓને બિરદાવી હતી.
કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ અગ્રણી યજ્ઞેશ દવે, કમલેશભાઇ વ્યાસ, બ્રહ્મસમાજના અગ્રણીઓ, નાયબ પોલીસ અધિક્ષક વ્યાસ સહિત સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.