આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાના વિસનગર શહેરના ખેડુત સાથે અન્ય એક પરિવારના ઇસમ સાથે થયેલી સામાન્ય વાત જોતજોતામાં ઉગ્ર સ્વરૂપમાં આવી ગઇ હતી. પાટીદાર ખેડુતના ખેતરમાં ઠાકોર ઇસમ લીમડાનો ફાલ લેવા ગયો હતો. બાદમાં ખેડુતે ઘેર જઇ સમજાવટરૂપી ઠપકો આપતા મામલો બિચકયો હતો. બપોરે ૧ વાગયા દરમ્યાન બંને સમાજના ટોળા સામ-સામે આવી ગયા હતા. પથ્થરમારો અને ભાગદોડને પગલે વિસનગર પોલીસ દોડી ગઇ હતી. છેવટે એસપી સહિતના પોલીસ કાફલાએ દરમિયાનગીરી કરી સમાધાન કરાવ્યું હતુ.

વિસનગર શહેરમાં રહેતા પટેલ કનુભાઇ વિઠલભાઇ ઇશ્વરભાઇના ખેતરમાંથી શહેરના ઠાકોર બળવંતજી વિષ્ણુજીએ લીમડોનો ફાલ કાપી લઇ ગયો હતો. જેની જાણ ખેડુતને થતા પુર્વમંજુરી અને જાણ કર્યા વિના ખેતરમાં ઘુસવાને લઇ નારાજગી ઉભી થઇ હતી. આથી ઇસમને સામાન્ય ઠપકો આપવા જતાં મામલો બબાલના સ્વરૂપમાં આવી ગયો હતો. જોતજોતામાં બંને સમાજના લાગતા-વળગતા ઇસમો ભેગા થઇ આમને-સામને આવી ગયા હતા. શહેરમાં બંને ટોળા વચ્ચે ઉગ્ર ધમાસાણ દરમ્યાન પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. આ દરમ્યાન કેટલાંક ઇસમોને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે, વિસનગર શહેર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટોળા વિખેરી નાંખવામાં આવ્યા હતા. મામલો વધુ ઉગ્ર બને તે પહેલા મહેસાણા એસ.પી. અને ડી.વાય.એસ.પીની ટીમ દોડી આવી બંને પરિવારો વચ્ચે સમાધાનકારી વલણ શરૂ કરાયુ હતુ. આ તરફ ઇજાગ્રસ્તોએ નજીકના દવાખાને આઉટડોર સારવાર લીધી હતી. ગેરસમજને લીધે ઘટના બની ગયાનું સ્વીકારી પાટીદાર અને ઠાકોર સમાજ વચ્ચે પોલીસ સમાધાન કરાવવામાં સફળ થઇ હતી. જેથી જાણવાજોગ નોંધ કરી ફરીયાદ દાખલ થઇ ન હોવાનું વિસનગર શહેર પોલીસે જણાવ્યું હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code