અટલ સમાચાર, મહેસાણા
વિસનગર તાલુકાના ઘાઘરેટ નજીક આવેલ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ ખાતે જિલ્લા પેરાલીમ્પીક કમિટી અંતર્ગત દિવ્યાંગોના સ્પેશ્યલ જિલ્લા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પ્રમુખ ડાહ્યાભાઇ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ પટેલ, રાજુભાઇ કે.પટેલ, એડવોકેટ સુરેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહી રમતોત્સવને ખુલ્લો મુક્યો હતો. આ રમતોત્સવમાં જિલ્લાના 71 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લઇ એથલેટીક્સ રમતોમાં પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું. રમતોત્સવ વિજયી બનેલ ખેલાડીઓને લાયન્સ ક્લબ ઓફ મહેસાણા દ્વારા બ્લેન્કેટ આપવામાં આવ્યા હતા.