હવામાન@દેશ: ગુજરાત સહિત 20થી વધુ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડા અંગે એલર્ટ જાહેર

 
વાવાઝોડું
લોકોને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળી શકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય હવામાન વિભાગ અનુસાર પ્રિ-મોન્સૂન સિસ્ટમો અને સક્રિય પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ હેઠળ દેશના અનેક ભાગોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ છે. 13 જૂનના રોજ ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતના 17થી 20થી વધુ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડા અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 60થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ દેશના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ગરમીમાંથી રાહત મળી રહી છે. જોકે ગાજવીજ, વીજળી પડવાની શક્યતા અને તેજ પવનને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.ગુજરાતમાં પણ આગામી દિવસોમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે.

13 જૂને છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળી શકે છે.14 જૂનથી 16 જૂન સુધી પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહી શકે છે.

રાજધાની દિલ્હી અને આસપાસના NCR વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. IMDએ દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદ, ગાજવીજ અને 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે ઉતરપ્રદેશમાં પણ અનેક જિલ્લાઓ માટે આંધી અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લખનૌ, ગાઝિયાબાદ, નોઇડા સહિત અનેક વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને ખુલ્લા મેદાનો અને વૃક્ષોની નજીક ન રહેવાની સલાહ આપી છે.

બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદ અને જોરદાર પવનની આગાહી વચ્ચે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને વીજળી પડવાના જોખમને ધ્યાનમાં રાખીને ખાસ ચેતવણી આપવામાં આવી છે. તે જ સમયે મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં પણ હવામાન અસ્થિર બની રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ધૂળભરી આંધીઓ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને કેટલાક સ્થળોએ કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રવાસીઓને હવામાનની માહિતી મેળવીને જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.