હવામાન@દેશ: ગરમીએ 64 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અહીં તો તાપમાન 55 ડિગ્રીએ પહોંચ્યું

 
ગરમી
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 4 દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારત-પાક સરહદે તાપમાનનો પારો 55 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ બીએસએફના જવાનો સરહદની સુરક્ષા કરી રહ્યા છે. જેમાં મહિલા જવાનોનો પણ સમાવેશ થાય છે. બોર્ડર પર તાપમાન માપવા માટે લગાવવામાં આવેલુ યંત્ર છેલ્લા એક સપ્તાહથી ૫૪થી ૫૬ ડિગ્રી દર્શાવી રહ્યું છે. રણ પ્રદેશ  હોવાથી અહીંયા તાપમાન વધુ જોવા મળી રહ્યું છે. 

રાજસ્થાનની સરહદે તૈનાત બીએસએફના જવાનોએ કેટલીક તસવીરો જાહેર કરી છે. જેમાં મહિલા જવાનો પણ આટલી ભિષણ ગરમીમાં સરહદની સુરક્ષા કરતી જોવા મળી હતી. આ દરમિયાન રાજસ્થાન રાજ્યના શહેરો પર નજર કરીએ તો ફાલોદીમાં મહત્તમ 49.8 જેસલમેરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી રહ્યું, બાડમેરમાં પણ 48, જાલોરમાં 47, જોધપુરમાં 48, ગંગાનગરમાં 47, કોટામાં 46, ચિત્તોડગઢમાં 45, બીકાનેરમાં 47, ભીલવાડામાં 45, જયપુરમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એટલે કે રાજસ્થાનમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 47થી 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં લૂ લાગવાને કારણે બે લોકોના મોત નિપજ્યા હતા. રાજસ્થાનમાં ચાર દિવસમાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.

આસામમાં હીટવેવ એલર્ટ જારી છે, સામાન્ય રીતે આસામમાં રાજસ્થાન જેટલી ગરમી નથી પડતી. જોકે 1960 પછી મે મહિનામાં પ્રથમ વખત પારો 40 ડિગ્રીને પાર ગયો છે. હીટવેવને કારણે આસામમાં શિક્ષણ વિભાગે પણ તમામ જિલ્લા પ્રશાસનોને શાળાઓના સમયમાં ફેરફાર કરવાના આદેશ આપ્યા છે. શાળાનો સમય સવારનો કરી દેવામાં આવ્યો છે અને બપોરે તેમને રજા આપવા કહેવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં પણ ભીષણ ગરમી પડી રહી છે. દિલ્હીમાં તાપમાન 48 ડિગ્રીને પાર જતું રહ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 4 દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીના મુંગેશપુરમાં 48.3, નફઝગઢમાં 48.1, નરેલામાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.