હવામાન@દેશ: ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવની આગાહી, 17 રાજ્યોમાં ફરી વાવાઝોડાની ચેતવણી

 
આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સોમવારે, ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની સ્થિતિ બદલાશે. જોરદાર વાવાઝોડા અને વરસાદ ગરમીથી રાહત આપશે. જ્યારે ગરમીનું મોજું અને ભેજ અન્ય રાજ્યોને પરેશાન કરશે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને પર્વતીય રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી છે. જ્યારે રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં તીવ્ર ગરમી ચાલુ રહેશે. હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેવની ચેતવણી આપી છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આગામી 3 દિવસમાં તાપમાન હજુ પણ 2-3°C વધી શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં આગામી 7 દિવસ હીટવેવની આગાહી છે. આ ઉપરાંતન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 41°C થી 44°C ની વચ્ચે રહેવાની શક્યતા છે. નમાત્ર દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે બાકી સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદ, જોરદાર પવન અને વાવાઝોડાની આગાહી કરી છે.

પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દિવસ દરમિયાન ગરમી રહેશે, પરંતુ સાંજ પછી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશના પશ્ચિમ અને પૂર્વીય ભાગોમાં હવામાન સક્રિય રહેશે. 11 થી 14 મે દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. લખનૌ, કાનપુર, મેરઠ, બરેલી, પ્રયાગરાજ અને વારાણસી સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું આકાશ અને વાવાઝોડાની સંભાવના છે. ખેડૂતો અને ખુલ્લા ખેતરોમાં કામ કરતા લોકોને સાવધ રહેવાની સલાહ આપી છે. પશ્ચિમી વિક્ષેપ પંજાબ અને હરિયાણામાં અનુભવાશે. ઘણા જિલ્લાઓમાં ધૂળની આંધી, વાદળો અને હળવો વરસાદ થવાની સંભાવના છે. ચંદીગઢ અને આસપાસના વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે પ્રતિકૂળ હવામાનનો અનુભવ થઈ શકે છે.

હવામાનશાસ્ત્રીઓની આગાહી છે કે 11 થી 13 મે સુધી હવામાન અસ્થિર રહેશે. રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં તીવ્ર ગરમીનું મોજું ચાલુ રહેશે. જેસલમેર, બાડમેર, બિકાનેર અને જોધપુરમાં તાપમાન 44થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે હીટવેવ એલર્ટ જારી કર્યું છે. પૂર્વી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવા વાદળો દેખાઈ શકે છે. પરંતુ ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે.