હવામાન@દેશ: આજે 26 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, મધ્યપ્રદેશમાં જળપ્રલય જેવી સ્થિતિ
ડેમ તૂટતાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ-નાળા ગાંડીતૂર બન્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ચિત્રકૂટમાં મંદાકિની નદી લગભગ 30 ફૂટની ઊંચાઈએ વહી રહી છે.ગોર્ગી ડેમ તૂટવાના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. બીરસિંહપુરના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયું છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું છે અને અનેક વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે.
નાગૌદ, બીરસિંહપુર, મજગવન અને સતના સહિતના વિસ્તારોમાં નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. નાગૌદ પોલીસ સ્ટેશન અને સિંઘપુર ચોકડી નજીકના પેટ્રોલ પંપ સુધી પણ પાણી પહોંચી ગયું છે. કોટવાલી ચોકથી કલેક્ટર કચેરી સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે મધ્યપ્રદેશના રેવા વિભાગ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. વાવાઝોડા સાથે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણ અને સક્રિય ચોમાસાના પ્રવાહને કારણે વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.દેશમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગે આજે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે.આ ચેતવણીમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, સિક્કિમ, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

