હવામાન@દેશ: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો ગુજરાત સહિત અન્ય રાજ્યોની સ્થિતિ

 
વાવાઝોડું
60 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે બીજી તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ભારે વેગ પકડ્યો છે. ભારતીય હવામાન વિભાગે આજે 9 જૂનના રોજ દેશના 17 રાજ્યો માટે મધ્યમથી ભારે વરસાદ અને તીવ્ર વાવાઝોડાની ગંભીર ચેતવણી (એલર્ટ) જારી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં આ રાજ્યોમાં 60 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ ઉત્તર ભારતમાં ટૂંક સમયમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) પણ સક્રિય થઈ રહ્યું છે, જે હવામાન પલટાનું મુખ્ય કારણ બનશે.

હવામાન વિભાગે આજે જે 17 રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે, તેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક, આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ખાસ કરીને કેરળ અને કર્ણાટકમાં અતિભારે વરસાદની સંભાવના છે. ચોમાસું હાલમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વધુ વિસ્તારોને આવરી લઈને આગળ વધી રહ્યું છે.ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ છતાં ગરમીની તીવ્રતા ઓછી થઈ નથી.

હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ અમદાવાદ શહેરમાં આકરી ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાઈ શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેશે. ગઈકાલે પણ શહેરમાં તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું હતું.દિલ્હીમાં આગામી બે દિવસ આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને તાપમાન 42°C સુધી પહોંચશે, સાથે જ 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. જો કે, 11 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાવાઝોડું અને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

પશ્ચિમ યુપીના નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ અને બરેલી જેવા વિસ્તારોમાં આજે હીટવેવ (લૂ) નું એલર્ટ છે. 10 થી 14 જૂન દરમિયાન લખનૌ, વારાણસી, કાનપુર, પ્રયાગરાજ અને અયોધ્યા સહિત સમગ્ર યુપીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.બિહારના સહરસા, દરભંગા અને પૂર્વી ચંપારણ સહિતના 7 જિલ્લાઓ માટે આજે વાવાઝોડા અને વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે.