હવામાન@દેશ: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી વિગતો અનુસાર, દેશભરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હરિયાણા તેમજ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં નીચા સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ બેવડી વેધર સિસ્ટમને કારણે આગામી થોડા દિવસો દેશના વિવિધ ભાગો માટે ભારે કટોકટીભર્યા સાબિત થઈ શકે છે.
આજે 23 જૂન, 2026 ના રોજ ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના વિશાળ વિસ્તારોમાં કુદરતનો રૌદ્ર અવતાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દેશના 15 પ્રમુખ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની સાથે 79 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરી છે. આ પ્રચંડ તોફાનને કારણે કાચા મકાનો, હોર્ડિંગ્સ અને મોટા વૃક્ષો ધરાશાયી થવાનું જોખમ હોવાથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે.
IMD દ્વારા આગામી સમય માટે જે રાજ્યોને રેડ અને ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે. ખાસ કરીને પૂર્વીય ભારતના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વીજળી પડવાની ઘટનાઓ સામે આવી શકે છે.રાજધાની દિલ્હીમાં આગામી 26 જૂન સુધી વાતાવરણ તોફાની રહેશે. આજે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સાથે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આ ગતિવિધિને કારણે દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાશે, જે ગરમીથી રાહત આપશે.યુપીમાં આગામી ૨૫ જૂન સુધી પ્રી-મોન્સૂન અને મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે. મેરઠ, ગૌતમ બુદ્ધ નગર, અલીગઢ, આગ્રા, મથુરા, હમીરપુર, કુશીનગર, બસ્તી, કાનપુર, ઝાંસી, અયોધ્યા, રામપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસી જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની સાથે 30 થી 49 કિમીની ઝડપે પવન ફૂંકાશે. પાટનગર લખનૌમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે.બિહારમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. ગયા, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, બક્સર, ભોજપુર, વૈશાલી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, સુપૌલ, સહરસા, કટિહાર, ભાગલપુર, મુંગેર અને અરરિયામાં ૫૫ કિમીની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. પાટણામાં તાપમાન 38 ડિગ્રી રહેશે. બીજી તરફ, ઝારખંડના રાંચી, ખૂંટી, ગુમલા, ધનબાદ, બોકારો અને જમશેદપુરમાં 70 કિમીની ઝડપે તોફાન આવવાની સંભાવના છે.
ઉત્તરાખંડના નૈનિતાલ, દેહરાદૂન, પિથોરાગઢ અને ઋષિકેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનું જોખમ છે. અહીં 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કુલ્લુ અને મનાલીમાં તાપમાનનો પારો ગગડ્યો છે, મનાલીમાં મહત્તમ તાપમાન 12 ડિગ્રી અને લઘુત્તમ 4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર, અનંતનાગ અને પૂંચમાં પણ ભારે બરફવર્ષા અને વરસાદી માહોલ છે.બંગાળના જલપાઈગુડી, માલદા અને દાર્જિલિંગ સહિત કોલકાતામાં ૫૫ કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડશે. પંજાબના અમૃતસર, લુધિયાણા અને પઠાણકોટમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર-પૂર્વના રાજ્ય આસામમાં બારપેટા, ગોલપરા અને કચર જિલ્લામાં 79 કિમીની ઝડપે ભારે તોફાન ત્રાટકવાની ભીતિ છે. રાજસ્થાનના રણપ્રદેશ વાળા વિસ્તારો જેવા કે જયપુર, બિકાનેર, ચુરુ, અજમેર અને કોટામાં 70 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડશે. મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર, બેતુલ, છિંદવાડા અને વિદિશામાં 50 કિમીની ઝડપે પવન સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.

