હવામાન@દેશ: 20 રાજ્યોમાં ભારે વાવાઝોડા વીજળી સહિત વરસાદની આગાહી
બે દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગ અનુસાર, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વોત્તર રાજ્યોમાં નદીઓમાં પૂરની શક્યતા છે. ગુજરાતમાં 11 જુલાઈ, 2026 દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા અને આણંદમાં પણ હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને જામનગર તેમજ કચ્છ વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
11 જુલાઈના ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આસામ, ત્રિપુરા, કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. જોરદાર પવનને કારણે વૃક્ષો પડી જવાની, વીજળી ગુલ થવાની અને સ્થાનિક નુકસાન થવાની સંભાવના છે.દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શનિવારે હવામાન અચાનક બદલાઈ શકે છે. આઈએમડીએ યેલો એલર્ટ જારી કર્યું છે, જેમાં ભારે વરસાદ અને ભારે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 75 થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
11 થી 13 જુલાઈ સુધી ઝારખંડમાં સતત વરસાદની અપેક્ષા છે. 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં પવન સાથે વરસાદની સંભાવના છે જ્યારે બિહારમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ પડી શકે છે. રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદની શક્યતા નથી. પૂર્વી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં ભેજ રહી શકે છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ભોપાલ અને ગ્વાલિયર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને 65 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે.

