હવામાન@દેશ: ગુજરાતમાં 44 ડિગ્રીની ભીષણ ગરમી, 13 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આગામી 10 કલાક દેશના મોટા હિસ્સા માટે અત્યંત નાજુક સાબિત થવાના છે. દક્ષિણ બિહાર અને આસામની આસપાસ લો-ટ્રોપિકલ લેવલ પર સર્જાયેલા શક્તિશાળી ચક્રવાતી પરિભ્રમણને કારણે દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને પ્રચંડ વાવાઝોડાની કટોકટી ઊભી થઈ છે.આ તોફાન દરમિયાન પવનની ઝડપ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આશંકા છે. જેનાથી પૂર્વીય રાજ્યોમાં વીજળી પડવાની અને ભારે વિનાશ થવાની સંભાવના છે. બીજી તરફ, પશ્ચિમ ભારતમાં સ્થિતિ તદ્દન વિપરીત છે, જ્યાં ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યો ભીષણ હીટવેવની આગમાં શેકાઈ રહ્યા છે.
ગુજરાતમાં અત્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ છે અને આકાશમાંથી સીધા અગનગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર, અમદાવાદ 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમી અને લૂના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે નાગરિકોને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવાની સખત સલાહ આપી છે.
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, આસામ અને ત્રિપુરા સહિત ૧૩ રાજ્યો માટે હાઈ-એલર્ટ જાહેર કર્યું છે.નોઈડા, ગાઝિયાબાદ, કાનપુર, પ્રયાગરાજ અને વારાણસી સહિત યુપીના અનેક જિલ્લાઓમાં ૫૫ કિમીની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે બિહારના ગયા, દરભંગા અને પૂર્ણિયા જેવા વિસ્તારોમાં ૬૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે મુસળધાર વરસાદની ચેતવણી અપાઈ છે.રાંચી, ધનબાદ અને જમશેદપુરમાં ૭૦ કિમીની ઝડપે તોફાન આવશે, જ્યારે બંગાળના જલપાઈગુડી અને માલદામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે પવન અને વરસાદને કારણે ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. મનાલીમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી જવાની સંભાવના છે. જેથી પ્રવાસીઓને મુસાફરી ટાળવા જણાવાયું છે.એક તરફ જ્યાં પૂર્વીય ભારતમાં વરસાદ છે, ત્યાં પંજાબના પટિયાલા અને ભટિંડા, રાજસ્થાનના જેસલમેર અને બાડમેર તેમજ મધ્યપ્રદેશના જબલપુર, સાગર અને ઇન્દોરમાં ગંભીર હીટવેવની સ્થિતિ છે.

