હવામાન@દેશ: તીવ્ર ગરમી વચ્ચે અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, ગુજરાતમાં ગરમી યથાવત

 
હવામાન
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઊંચું રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરમાં તીવ્ર ગરમી અને હિટવેવ વચ્ચે હવે હવામાનમાં બદલાવના સંકેતો જોવા મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 20 મે માટે જાહેર કરાયેલી આગાહીમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત કુલ 17 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

કેટલાક વિસ્તારોમાં 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ભારતમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં ગરમીથી લોકો પરેશાન રહેશે. દિલ્હીમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને હિટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પશ્ચિમ રાજસ્થાનમાં ગરમ અને સૂકા પવન લોકો માટે મુશ્કેલી વધારી શકે છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

ઉત્તરપૂર્વ ભારત માટે હવામાન વિભાગે વિશેષ ચેતવણી આપી છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અનેક સ્થળોએ વીજળી પડવાની અને વાવાઝોડાની પણ શક્યતા હોવાથી સ્થાનિક પ્રશાસન એલર્ટ પર છે.બિહાર અને ઝારખંડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના પર્વતીય વિસ્તારોમાં પણ હવામાન બદલાઈ શકે છે.

ઓડિશામાં ભેજનું પ્રમાણ વધતા લોકોને ઉકળાટનો અનુભવ થઈ શકે છે.ગુજરાત અને મહારાષ્ટ્રની વાત કરીએ તો હાલ ગરમીનો માહોલ યથાવત રહેશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા પવનથી લોકોને થોડો રાહતનો અનુભવ થઈ શકે છે. મહારાષ્ટ્રના કોંકણ અને ગોવા વિસ્તારમાં ભેજવાળા વાતાવરણ સાથે હળવો વરસાદ પડી શકે છે.