હવામાન@દેશ: રાજ્યમાં હજુ ચાર દિવસ છૂટ્ટાછવાયા વરસાદની આગાહી, 18 જિલ્લામાં માવઠાનું સંકટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાજ્યના 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથોસાથ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આ તરફ અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ ગરમીનો પારો ઉંચકાવવાનું પણ અનુમાન વ્યકત કરાયું છે.
અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. રાજકોટમાં ગુરુવારે દોઢ ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. શહેરમાં દોઢ ઇંચ વરસાદથી ગવલીવાડ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ગવલીવાડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. ગવલીવાડની બાજુમાં આવેલા પાણીના વોકળાનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. જે દરમિયાન શોપિંગ કોમ્પલેક્ષ અને ઝાડ સહિતનો કચરો ફસાઈ જતા પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો અને તેને કારણે આસપાસના 40 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અહીં 4000 જેટલા લોકો વસવાટ કરે છે અને તેઓ દર વર્ષે ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરે છે.