હવામાન@દેશ: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભીષણ 'લૂ' અને ગરમીનું એલર્ટ, પારો 40°C થી 42°C ને પાર કરી શકે

 
તાપમાન
 કર્ણાટકના કલબુર્ગીમાં દેશનું સૌથી વધુ 44°C તાપમાન 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં પારો 40°C થી 42°C ને પાર કરી શકે છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભીષણ 'લૂ' ની સ્થિતિ સર્જાશે. મહારાષ્ટ્રના અકોલા અને કર્ણાટકના કલબુર્ગીમાં દેશનું સૌથી વધુ 44°C તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે દેશના વિવિધ હિસ્સાઓ માટે ચેતવણી જાહેર કરી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, છત્તીસગઢ અને તેલંગાણામાં આ અઠવાડિયે કાળઝાળ ગરમી અને લૂ ચાલશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટીય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને કેરળમાં ગરમીની સાથે અસહ્ય બફારો લોકોને પરેશાન કરશે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં 18 એપ્રિલ સુધી તાપમાનમાં 3-4°C અને મધ્ય ભારતમાં 20 એપ્રિલ સુધી 2-3°C નો વધારો જોવા મળી શકે છે. દિલ્હીમાં પારો 42°C સુધી પહોંચવાની ધારણા છે. પહાડી વિસ્તારો માટે થોડા રાહતના સમાચાર છે. 16 એપ્રિલની રાતથી એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે. માત્ર ઉત્તર કે મધ્ય ભારત જ નહીં, પરંતુ ઉત્તર-પૂર્વ ભારતમાં પણ 16 એપ્રિલથી ગરમીનો પારો ચઢશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ આખું અઠવાડિયું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહેવાની શક્યતા છે.