હવામાન@દેશ: 17 રાજ્યોમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાની કડક ચેતવણી

 
આગાહી
80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે દેશના 17 રાજ્યોમાં મધ્યમથી લઈને અતિભારે વરસાદ સાથે પ્રચંડ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે.આ સમયગાળા દરમિયાન કેટલાક ભાગોમાં 80થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે, જે સામાન્ય જનજીવનને વેરવિખેર કરવા માટે પૂરતો છે.

ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સર્જાયેલા ઉપરી હવાના ચક્રવાતી પરિભ્રમણ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી અરબી સમુદ્ર સુધી લંબાયેલી ટ્રફ લાઇનને કારણે આ અણધાર્યો મોસમી ફેરફાર જોવા મળી રહ્યો છે.પર્વતીય રાજ્યોમાં રહેતા લોકો માટે આગામી થોડા દિવસો મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. પૂર્વીય અને પર્વતીય વિસ્તારોમાં ભારે પવન સાથે આકાશી વીજળી પડવાની ઘટનાઓ સામે આવી શકે છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ નાજુક છે, જ્યાં સતત બે દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાનું હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે કાચા મકાનો, મોટા વૃક્ષો અને હોર્ડિંગ્સ ઉખડી જવાની પૂરેપૂરી આશંકા છે.દેશની રાજધાની દિલ્હીમાં આજે હવામાનનો મિજાજ બદલાયેલો રહેશે. દિલ્હીમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હીનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે.ઉત્તર પ્રદેશમાં 25 અને 26 જૂન દરમિયાન ભારે મેઘગર્જનાની આશંકા છે. યુપીના બુલંદશહેર, મથુરા, આગ્રા, ઝાંસી, કાનપુર, વારાણસી, ગોરખપુર અને પ્રયાગરાજ સહિતના અનેક મહત્વના જિલ્લાઓ માટે ‘યેલો એલર્ટ’ જાહેર કરાયું છે.

ઉત્તરાખંડના હરિદ્વાર, ઋષિકેશ, નૈનિતાલ અને દહેરાદૂનમાં અતિભારે વરસાદને કારણે ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. હિમાચલ પ્રદેશમાં આજે સીધો વરસાદ ભલે ન હોય, પરંતુ મનાલી, કુલ્લુ અને મંડીમાં જોરદાર પવન ફૂંકાશે, જેના કારણે મનાલીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી નીચે જશે. જમ્મુ-કાશ્મીરના ઉધમપુર, ડોડા અને શ્રીનગરમાં પણ પીળી ચેતવણી સાથે 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા અને જલપાઈગુડીમાં 50 થી 60 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુજરાતના પાડોશી રાજ્યો એવા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કુદરતનો મિજાજ ગરમ છે. રાજસ્થાનના જયપુર, અજમેર, બિકાનેર અને કોટામાં ૭૦ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ અને વાવાઝોડું આવવાની સંભાવના છે. મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર અને ઉજ્જૈન સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવા ગંભીર વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ અણધાર્યા વાવાઝોડાથી ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થઈ શકે છે