હવામાન@ગુજરાત: અમદાવાદમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો, આજે 5 જિલ્લામાં એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે ધીમી અને મધ્યમ ધારે વરસાદ શરૂ થયો હતો. પશ્ચિમ વિસ્તારના સોલા, પ્રહલાદ નગર, જોધપુર અને આનંદ નગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી જતાં વાહનચાલકોને સવારના સમયે હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.
અમદાવાદમાં પૂર્વ ઝોનમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારે 7:00 થી 9:00 વાગ્યા સુધીના 2 કલાકમાં શહેરના પૂર્વ વિસ્તારના કઠવાડા, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ અને હંસપુરામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જશોદાનગર, સીટીએમ, નરોડા, મેમ્કો, વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ, સરદારનગર અને એરપોર્ટ વિસ્તારમાં આશરે 1 ઈંચ વરસાદ પડ્યો છે. પશ્ચિમના સરખેજ, સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, સાબરમાતી અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં અડધો ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં 29.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયું હતું. ગઇકાલે જ્યાં ઝાપટાં પડ્યા તેમાં મુખ્યત્વે બોપલ, જોધપુર, બોડકદેવ, વિરાટનગર, કઠવાડા, અસારવા અને કાલુપુરનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં હજુ સુધી સીઝનનો સરેરાશ 23.82 ઈંચ સાથે 66.17 ટકા વરસાદ વરસ્યો છે. હવે આજે સવારથી બપોર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બુધવારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે પણ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. સોમવારે ગુજરાતના 111 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના શહેરામાં સૌથી વધુ 1.10 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. પરંતુ ભારે વરસાદ પડે તેની સંભાવના ખૂબ ઓછી છે. ગુજરાતમાં હજુ સુધી સીઝનનો 70 ટકા વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આજે, 11 ઓગસ્ટના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારો, કલાકના 30 થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવનો અને હળવાથી મધ્યમ વરસાદી વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે.

