હવામાન@ગુજરાત: એકસાથે 3 સિસ્ટમ સક્રિય, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો

 
Varsad
ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના સૌથી મોટા અને ધમધમતા શહેરમાં આગામી કેટલાક દિવસો સુધી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એકસાથે ત્રણ મોટી સિસ્ટમ સક્રિય થવાને કારણે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.હવામાન નિષ્ણાતોના મતે, મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારમાં એક મજબૂત લો પ્રેશર એરિયા સર્જાયો છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ત્રણ શક્તિશાળી સિસ્ટમો એકસાથે સક્રિય થઈ છે.

આગામી 27 ઓગસ્ટ સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરીજનો માટે રાહતના સમાચાર એ છે કે આ સિસ્ટમની અસરથી અમદાવાદમાં ભારે વરસાદને બદલે હળવાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ઉકળાટ અને ગફલતભરી ગરમીથી નાગરિકોને મોટી રાહત મળશે. વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોના કારણે શહેરમાં આહલાદક માહોલ જોવા મળી રહ્યો છે. ખેતીવાડી ક્ષેત્રે પણ આ વરસાદ પાક માટે પૂરક સાબિત થશે. તંત્ર દ્વારા પણ સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અપિલ કરવામાં આવી છે.