હવામાન@ગુજરાત: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો, આજે સૌરાષ્ટ્રમાં એલર્ટ

 
વરસાદ
અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 2.51 ઈંચ, સુરેન્દ્રનગરમાં 1.85 ઈંચ અને દેવભૂમિ દ્વારકામાં 1.37 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન હવામાન વિભાગે મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી દ્વારકા, બોટાદ તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, 'આગામી 22મી ઓકટોબરથી અંદમાન નિકોબાર ટાપુમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થશે. 'રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે.