હવામાન@ગુજરાત: પંચમહાલના હાલોલમાં 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાળ

 
વરસાદ
છેલ્લા 2 કલાક દરમિયાન 40 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં છેલ્લા 2 કલાક દરમિયાન 40 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં થયો છે. જ્યાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, સુરતના કામરેજમાં 1.18 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, ખેડાના મહુવામાં 0.83 ઈંચ અને નડિયાદમાં 0.71 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે હાલોલમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેથી તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હજુ સુધી સિઝનનો 88 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 43 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.