હવામાન@ગુજરાત: હીટવેવ વચ્ચે વાતાવરણમાં આવશે પલટો, 3 મે પછી અનેક જિલ્લામાં વરસાદની આગાહી

 
વરસાદ
કાળઝાળ ગરમીના કારણે ડીહાઈડ્રેશન અને લૂ લાગવાના કેસોમા ચિંતાજનક વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં હોય, તેમ તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચી જતાં આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને આગાહી કરવામાં આવી છે.જેમાં 3જી મે પછી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. આજે પણ રાજકોટમાં ઓરેન્જ એલર્ટ ઉપરાંત કચ્છ, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગરમીને લઈને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી, પરંતુ બીજી મે સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની નથી. ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે ડીહાઈડ્રેશન અને લૂ લાગવાના કેસો પણ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.

3 મે પછી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને રાજ્યના 20થી વધુ જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.3 મેના રોજ બનાસકાંઠા, કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.