હવામાન@ગુજરાત: 10 એપ્રિલ પછી વાતાવરણમાં આવશે મોટો પલટો, અંબાલાલ પટેલની આગાહી

 
અંબાલાલ

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંબાલાલ પટેલે ગરમી અંગે વાત કરતા જણાવ્યું છે કે આજથી જ રાજ્યમાં ગરમીનો પારો વધવા લાગશે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર જઈ શકે છે. ખાસ કરીને વડોદરા, આણંદ અને નડિયાદ જેવા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે.આ ઉપરાંત, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે.

તેમણે આગાહી કરી છે કે આગામી 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. જો કે, 10 એપ્રિલ પછી રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.પરંતુ આ રાહત લાંબો સમય ટકશે નહીં, કારણ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 26 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી એકવાર આકરી ગરમી પડશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે 12 થી 14 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉઠશે, જેના કારણે હવામાનમાં મોટો પલટો આવશે.ત્યારબાદ, 17 થી 20 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પણ પડી શકે છે અને દેશના અન્ય ભાગોની સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.