હવામાન@ગુજરાત: ફરી એકવાર કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, હાડ થીજવતી ઠંડીની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી બદલાયેલા વાતાવરણ બાદ હવે ફરી એકવાર કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલથી ઠંડીના જોરમાં નોંધપાત્ર વધારો થશે. ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી શિયાળાની અસલી જમાવટ જોવા મળશે.
હાલમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો અને લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો.બપોરે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડીના કારણે મિશ્ર વાતાવરણ સર્જાયું હતું. જો કે, હવે આ સિસ્ટમની અસર ઓછી થતા જ ઉત્તર ભારતના ઠંડા પવનો સીધા ગુજરાત તરફ આવશે, જે ઠંડીમાં વધારો કરશે. આગામી અઠવાડિયામાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને નલિયા, ડીસા અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના છે. નાગરિકોને વહેલી સવારના સમયે ગરમ કપડાં સાથે સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.

