હવામાન@ગુજરાત: વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની આગાહી

 
વરસાદ
નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, અને કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતા છે. બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહેશે તેવું પણ તેમનું કહેવું છે.

અંબાલાલની આગાહી મુજબ આગામી 48 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે. ખાસ કરીને, 17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે તો કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ વરસાદ પડવાની આગાહી પણ કરી છે.આવનારો વરસાદ કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ સારો સાબિત થશે. ખેડૂતો માટે આ આગાહી રાહતરૂપ છે. ભારે વરસાદના કારણે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થશે અને નર્મદા નદી બે કાંઠે વહે તેવી શક્યતા છે.

તાપી અને સાબરમતી નદીઓમાં પણ પાણીની આવકમાં વધારો થઈ શકે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે સાતમ-આઠમના તહેવાર દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થશે અને 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ એટલે કે જ્યાં સિસ્ટમ જાય ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પણ વરસાદી માહોલ રહેશે. વરસાદનો માહોલ લાંબો ચાલશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.