હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમા 137 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ કપરાડામાં 4 ઈંચ ખાબક્યો

 
વરસાદ

અમદાવાદ, વડોદરા અને સુરતમાં ભારે વરસાદી ઝાપટાં યથાવત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં 'અપર એર સાયક્લોનિક' સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર ઇનિંગ્સ રમે તેવી શક્યતા છે. રાજ્યના મેટ્રો સિટી અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદી ઝાપટાં યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના વાપી, ઉમરગામ, નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદ માટે અલર્ટ જાહેર કરાયું છે.

આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના ભુજ સહિતના વિવિધ ભાગો, મોરબી, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ઉના અને વેરાવળ જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી સંભાવના છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 137 તાલુકાઓમાં મેઘરાજાની નોંધપાત્ર પધરામણી થઈ છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 4 ઈંચ અને બનાસકાંઠાના અમીરગઢમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત બનાસકાંઠાના ડીસામાં 3 ઈંચ, વાવ-થરાદના રાહ વિસ્તારમાં 2.5 ઈંચ તેમજ મહેસાણા, સુરતના ઉમરપાડા અને વલસાડના નાનાપૌંડામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠાના વડગામમાં 1.5 ઈંચ અને રાજ્યના અન્ય 129 તાલુકાઓમાં હળવાથી મધ્યમ સ્વરૂપે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.આ સિવાય રાજ્યના અન્ય 129 તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા છે. સાયક્લોનિક સિસ્ટમ સતત મજબૂત બની રહી હોવાથી નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.