હવામાન@ગુજરાત: માવઠા બાદ હવે તાપમાનનો પારો વધશે, 37.2 ડિગ્રી સાથે ભુજ રાજયનું સૌથી ગરમ શહેર

 
તાપમાન
મહત્તમ તાપમાન વધીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ છવાઈ જતાં ગરમીમાં આંશિક રાહત મળી હતી. હવે ગુજરાતમાં તોફાની માવઠાનો રાઉન્ડ પતી ગયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાન વધવાની આગાહી કરી છે.

આવનારા 7 દિવસ સુધી હવામાન સુકુ રહેવાની શક્યતા છે.આગામી 15 એપ્રિલ સુધી મહત્તમ અને ન્યૂનત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું ઊંચકાઈ શકે છે. જ્યારે 20 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં તાપમાનની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી કે તેથી વધુ જઈ શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જવાની શક્યતા છે.કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં 36 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ગુજરાતના મોટાભાગમાં લઘુત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રીની આસપાસ રહેશે. આમ એકંદરે જોઈએ તો, હવેથી ધીમે-ધીમે ગુજરાતમાં ગરમી વધશે.

આજે ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની ઉપર નોંધાયું છે. જેમાં અમદાવાદમાં 35.7, વડોદરામાં 35.2, ભુજમાં 37.2, ગાંધીનગરમાં 35.4, રાજકોટ 37.1 અને સુરતમાં 33.8 ડિગ્રી નોંધાયું છે. જે પૈકી કચ્છ જિલ્લાનું ભુજ 37.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું.