હવામાન@ગુજરાત: નલિયા બાદ ડીસામાં પણ ઠંડીનો પારો 8 ડિગ્રી નજીક પહોંચ્યો, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
કચ્છમાં ઠંડીનું મોજું યથાવત રહેવાની શક્યતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડિસેમ્બર મહિનાની શરુઆતથી જ શિયાળાએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે નલિયા બાદ હવે ડીસામાં પણ ઠંડીનો પારો 8 ડિગ્રી નજીક પહોંચ્યો છે.બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારે કચ્છમાં પણ ભારે કોલ્ડ વેવની આગાહી કરી છે. ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભારે ઠંડીના પગલે લોકો ઠુંઠવાઈ રહ્યા છે.
ગુજરાતમાં પણ ઠંડીનો પારો તળિયે પહોંચી રહ્યો છે. ત્યારે નલિયા બાદ હવે ડીસામાં પણ 8 ડિગ્રી નજીક લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. જ્યારે નલિયામાં ફરી 6.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં અત્યારે 6.2 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું હતું. ગુજરાતમાં પડતી કડકડતી ઠંડીના પગલે મેટ્રો શહેર અમદાવાદ પણ ઠઠરી રહ્યું છે.
અમદાવાદમાં 13 ડિગ્રીની આસપાસ તાપમાન યથાવત રહ્યું છે. રવિવારે અમદાવાદ શહેરમાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઠંડીના પગલે શહેરી જીવન પર અસર વર્તાઈ રહી છે. કામ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે હિમ વર્ષાના પગલે ઉત્તર ભારત સહિત ગુજરાત ઉપર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હિમ વર્ષાની અસર ગુજરાત ઉપર દેખાઈ રહી છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગગડ્યો છે.